ભાજપ વિપક્ષને કચડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહ્યો છે : મુખ્યમંત્રી મમતા બેનરજી
(એજન્સી) તા.ર૯
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને જયારે છ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે કેન્દ્ર તપાસ એજન્સીઓએ રાજયમાં તેમની ગતિવિધિઓ વધારી દેતા શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસે વિપક્ષ ભાજપ દ્વારા રાજકીય વેરભાવ રાખવામાં આવે છે. ર૪ ઓગસ્ટના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ ર૦૧૪ના નારદા ન્યૂઝ સ્ટીંગ ઓપરેશન સંદર્ભે તૃણમુલના પાંચ નેતાઓને નોટિસ મોકલી તેમની સંપત્તિની વિગતો માંગી હતી. જયારે ર૬ અને ર૭ ઓગસ્ટે કોલકાતાની સીબીઆઈ ઓફિસમાં દિલ્હીથી આવેલા સુપ્રિટેન્ડન્ટ સ્તરના બે અધિકારીઓ ફરજ પર જોડાયા હતા. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ નારદા કેસ ઉપરાંત શારદા, રોઝવેલી અને એમપીએસ ગ્રુપ પોન્ઝી ફંડ કૌભાંડોની પણ તપાસ કરી રહી છે. ર૮ ઓગસ્ટે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)એ ૧૧ વર્ષે જૂના ભુવનેશ્વર દિલ્હી રાજધાની એકસપ્રેસ અપહરણ કેસમાં આદિવાસી નેતા અને કથિત માઓવાદી પીઠબળ ધરાવતા સંગઠન પીપલ્સ કમિટી એગઈન્સ્ટ પોલીસ એટ્રોસિટીઝ (પીસીએપી)ના પ્રમુખની પૂછપરછ કરી હતી. આમ કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા ગતિવિધિઓ વધારી દેવામાં આવતા વિપક્ષ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓની બેઠકમાં મમતા બેનરજીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ વિપક્ષને કચડવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. ર૪ ઓગસ્ટે ઈડીની નોટિસ મેળવનાર તૃણમુલ સાંસદ સૌગત રોયે કહ્યું હતું કે કૌભાંડના ઘણા વર્ષો પછી ઈડીએ મને નોટિસ મોકલી હતી. જે સ્પષ્ટ રીતે રાજકીય વેરભાવને દર્શાવે છે.