બાળ કલ્યાણ સમિતિ સમક્ષ યુવતીએ પોતાની આપવીતીનું વર્ણન કરતા કહ્યું કે, હું માત્ર ૧૩ વર્ષની હતી ત્યારથી મારૂં જાતીય શોષણ શરૂ થયું હતું અને સૌ પહેલા મારા પાડોશીએ મારા પર દુષ્કર્મ આચર્યું હતું, એ પછી પાંચ વર્ષમાં ૬૪ લોકોએ મારૂં જાતીય શોષણ કર્યું
(એજન્સી) કોચી, તા.૧૨
દેશમાં કન્યાઓ પરના જાતીય દુષ્કર્મના બનાવો હવે હદ વટાવી રહ્યા છે અને એમાં પણ કેરળમાં જે ઘટના બની છે તે અત્યંત ચોંકાવી દેનારી છે. કેરળમાં ૧૮ વર્ષની એક દલિત યુવતી પર છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૬૪ લોકોએ જાતીય દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ થઈ છે. બાળ કલ્યાણ સમિતિ સમક્ષ દલિત યુવતીએ જ્યારે પોતાની આપવીતીનું વર્ણન કર્યું હતું. એ પછી સમિતિની ફરિયાદને આધારે પોલીસ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મહિલા સામ્યક નામની એક સ્વૈચ્છિક સંસ્થાના સભ્યો એમની રાબેતા મુજબની કાર્યવાહી માટે અને એમના ફિલ્ડ વર્ક મુજબ યુવતીના ઘરે પહોંચ્યા ત્યારે તેના પર થયેલા શારીરિક અત્યાચારોની ઘટના પ્રકાશમાં આવી હતી. પોતાની સાથે બનેલી ભયાનક જાતીય આક્રમણની વિગતો વર્ણવતા યુવતીએ કહ્યું હતું કે પાંચ વર્ષથી તેના પર જુલમ થઈ રહ્યો છે અને ૬૪થી વધુ લોકોએ તેની સાથે જાતીય દુષ્કર્મ કર્યું છે. યુવતીની કથની સાંભળ્યા બાદ આ સંસ્થાએ બાળ કલ્યાણ સમિતિને જાણ કરી હતી. એ પછી સમિતિ દ્વારા યુવતી સાથે બેઠક કરવામાં આવી હતી અને તેની પાસેથી બધી વિગતો મેળવવામાં આવી હતી પરંતુ એક સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક સામે જ યુવતીએ બધું વર્ણન કર્યું હતું. પોતાના કાઉન્સેલિંગ સેશન દરમિયાન દલિત યુવતીએ જણાવ્યું હતું કે હું ૧૩ વર્ષની હતી ત્યારે સૌ પ્રથમ મારા પાડોશીએ મારા પર દુષ્કર્મ કર્યું હતું. અને ત્યારથી મારૂં જાતીય શોષણ શરૂ થયું હતું. મારા પાડોશીએ મને અશ્લીલ સાહિત્ય બતાવીને મારૂં જાતીય શોષણ કર્યું હતું. હવે મારી ઉંમર ૧૮ વર્ષ થઈ છે. પોતાના શાળાકીય દિવસોમાં રમતગમત ક્ષેત્રમાં સક્રિય રહેલી આ એથ્લીટ યુવતી સાથે રમતગમતના ટ્રેનિંગ સેશન દરમિયાન પણ જાતીય શોષણનો ભોગ બનવું પડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે મારા કેટલાક આવા વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યા હતા જેનાથી મારી વેદનામાં અનેક ગણો વધારો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે આ કેસ બારામાં અત્યાર સુધીમાં દસથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને યુવતીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવી રહ્યું છે. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન એન રાજીવે જણાવ્યું હતું કે પીડિત યુવતીને જરૂરી રક્ષણ પૂરૂં પાડવામાં આવશે અને તેની સાર સંભાળ કરવામાં આવશે. આ કેસ અત્યંત ગંભીર છે. આ બાળા ધોરણ આઠમાં હતી ત્યારથી તેનું જાતીય શોષણ શરૂ થયું હતું અને એથ્લીટ તરીકે જ્યારે ખેલકૂદના ક્ષેત્રમાં તેજસ્વી દેખાવ કરી રહી હતી ત્યારે જાહેર સ્થળો ઉપર પણ તેનું શોષણ થયું હતું.