Ahmedabad

કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી આરોપીઓની ધરપકડ થઈ શકશે નહીં : હાઈકોર્ટ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૧
ચીરીપાલ ગ્રુપની નંદન ડેનિમ માં લાગેલી આગમાં સાત લોકોના મોતના મામલામાં આરોપી અને કંપનીના કર્તાહર્તા એવા જ્યોતિ પ્રસાદ ચીરીપાલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. પોતાની સામે નોંધાયેલી એફઆઇઆર રદ કરવા માટે અરજીમાં માગણી કરી હતી. હાઇકોર્ટે આજે આ કેસમાં હુકમ કર્યો છે કે, જ્યાં સુધી કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી જ્યોતિ પ્રસાદ ચીરીપાલની પોલીસ ધરપકડ નહીં કરે તથા મૂળ કેસમાં તપાસની કાર્યવાહી ચાલુ રહેશે અને તપાસમાં જ્યોતિ પ્રસાદ ચીરીપાલે સહયોગ આપવાનો રહેશે. અગાઉ કામદારોના મૃત્યુના મામલે ફેક્ટરી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે હાલ પોતાની સામે કાર્યવાહી થઈ શકે નહીં તેવી જ્યોતિ પ્રસાદ ચીરીપાલની હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નારોલ આગકાંડ, ચીરીપાલ ગ્રુપમાં કામ કરતા ત્રણ આરોપીને કોર્ટે વચગાળાની રાહત આપી છે. કોર્ટની પરવાનગી વિના ચાર્જશીટ ફાઈલ નહીં કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે અને પક્ષકારોને નોટિસ ફટકારી છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, નારોલ ખાતેની ચીરીપાલ ગ્રુપની કંપનીમાં આગ લાગતા કારીગરોના મૃત્યુ થયા હોવાની ઘટનાની ફરિયાદ રદ કરાવવા માટે કંપનીના મેનેજર સહિત ત્રણ અધિકારીઓએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. જેમાં તેમણે તેમની સામે એટ્રોસિટીની જે ફરિયાદ કરવામાં આવી છે એ પાયાવિહોણી હોવાની રજૂઆત કરી હતી. જે રિટની સુનાવણીમાં હાઇકોર્ટે એવો સવાલ કર્યો હતો કે, સમગ્ર પ્રકરણમાં હત્યાના ગુનામાં એટ્રોસિટીની કલમ કઇ રીતે લગાવાઇ.