મોરબી, તા.રર
ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીમાં ગુરૂવારથી ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરવાના છે. ત્યારે કોંગ્રેસે આજે બુધવારથી જ સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ૬૫ માળીયા-મોરબી વિધાન સભા ક્ષેત્રમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મોરબીથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર માટે પ્રચારના શરૂ કર્યા હતા.
“જીતશે જેન્તીલાલ”ના નારાઓ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે મોટી બરાર સહિતના ગામોમાં લોક સંપર્ક કર્યો હતો. ગામના આગેવાનો, સ્થાનિક કાર્યકતાર્ ઓ, સરપંચ સહિતના લોકોની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીલાલ જેરાજભાઈ પટેલને જંગી સમર્થન આપવાની હાકલ કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તથા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિતભાઈ કગથરા તેમજ રાજકીય આગેવાનો મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજ ભાઈ પટેલ સાથે “વિજય કૂચ” ચૂંટણી પ્રચાર પ્રવાસમાં મોટી બરાર સહિતના ગામોમાં આવતા લોકો આ નેતાઓને રૂબરૂ મળવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને ગામના ખેડૂતોને હાર્દિક પટેલે વ્યક્તિ ગત રીતે હાલની ખેતી ની સ્થિતિ વિશે પૂછપરછ કરી જમીની હકીકત મેળવી હતી.