અમદાવાદ, તા.૧પ
અમદાવાદ શહેર કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટની કાર્યકારી બેઠક યોજવામાં આવી હતી તેમાં આગેવાનો દ્વારા તાજેતરમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને પાંગળો બનાવવાના ઈરાદાથી કેટલાક તત્ત્વો અપક્ષો તેમજ અન્ય નાના પક્ષોનો સહારો લે છે તેને જાકારો આપવા આહ્વાન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મીટિંગમાં જણાવ્યું હતું કે કોરોનાના આ કપરા કાળમાં સૌએ સાથે મળી આ મહામારીને દૂર કરવા પ્રયત્નો કરવા અહ્વાન કર્યું હતું. આ મહામારીના કારણે મૃત્યુ પામેલ લોકોને બે મીનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યાર બાદ કોંગ્રેસ પક્ષને વધુ મજબુત અને વેગવંતુ બનાવવા તેમજ “ઘર-ઘર કોંગ્રેસ”ની વિચારધારાને પહોંચાડવા ડિજિટલ મેમ્બરશીપ અભિયાનને મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન રાઉમાએ નવા સીમાંકનમાં જે કોઈને વાંધો હોય તેઓએ માયનોરિટી ડિપાર્ટમેન્ટને સુચિત કરવા તેમજ ડિજિટલ મેમ્બરશીપ અંતર્ગત વધુમાં વધુ સભ્યો બનાવી પક્ષને મજબૂત બનાવવા આદેશ કર્યો હતો. ગુલાબખાને વધુમાં જણાવ્યું હતું કે કોરોનાના આ કપરા કાળમાં સંપૂર્ણ અર્થતંત્ર ઠપ થઈ ગયું છે. આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. દેવાદારો દેવા મુક્ત ન થવાના કારણે લેણદારોના ત્રાસથી માનસિક ત્રાસનો ભોગ બની જિંદગીઓ ટુંકાવી રહ્યા છે. આ મીટિંગમાં જી.પી.સી.સી. માયનોરિટી ડિપાર્ટમેન્ટના વાઈસ ચેરમેન રફીક અહેમદ કાદરી મધ્યઝોનના ચેરમેન ઈમ્તિયાઝઅલી કાદરી, અમદાવાદ શહેર ચેરમેન ઝુલ્ફીખાન પઠાણ સાથે તમામ વોર્ડ ચેરમેન અને હોદ્દેદારો, મહિલા પ્રમુખો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આભારવિધિ ફારૂક શેખે કરી હતી.