Ahmedabad

કોંગ્રેસને ફટકો : રાજ્યસભાની ચૂંટણી અગાઉ કરજણ અને કપરાડાના ધારાસભ્યે છેડો ફાડ્યો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૪
રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠક મેળવવા રઘવાયા બનેલા ભાજપે કોરોના મહામારીના કહેર વચ્ચે ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ગુજરાતમાં તોડોના રાજનીતિ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા ધરી દેતા રાજકીય ભૂકપં સર્જાયો છે. આજરોજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસની બે બેઠક જીતવાના અરમાન પર પાણી ફરી વળ્યું છે.
લોકડાઉન અગાઉ રાજ્યસભાની ચૂંટણી જીતવા મરણીયા બનેલા ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો ધારીના જે.વી.ડાકડિયા, ગઢડાના પ્રવિણ મારૂ, ડાંગના મંગળ ગાવિત, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા અને લીંબડીના ધારાસભ્ય સોમા પટેલના રાજીનામા પડાવ્યા હતા. જો કે લોકડાઉન થતા ચૂંટણી મુલતવી રહી હતી હવે લોકડાઉન ખુલતા જ અનલોકમાં ભાજપે ફરી ગંદી રમત શરૂ કરી દીધી છે. આજરોજ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો કપરાડાના જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસની બે બેઠકો જીતવાની શકયતા પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ બંને ધારાસભ્યોએ રાજીનામા આપ્યાની સત્તાવાર જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી ૧૯મી જૂને ચૂંટણી યોજવા જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે તેમના બે સિંહ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઊતાર્યા છે. જ્યારે ભાજપે અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અન ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતારી ત્રણ બેઠક આંચકી લેવા કમર કસી હતી. જેનો ખેલ લોકડાઉન અગાઉ શરૂ થયો હતો અને અનલોક-૧માં પણ જારી રહ્યો છે. જ્યારે કોંગ્રેસે અગાઉ પાંચ પાંચ ધારાસભ્યો ગુમાવ્યા છતાં ઊંઘતી ઝડપાઈ હતી. ધારાસભ્યોને સાચવી ન શકતા તેઓને એક બેઠક ગુમાવવાનો વારો આવે તેવી પુરેપુરી શકયતા છે.

અક્ષય પટેલ પાસે દબાણથી રાજીનામું
લખાવી લીધાનો કોકોનો આક્ષેપ

પાલેજ, તા.૪
કરજણ સિનોર મત વિસ્તારના કોંગી ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ ધરી દેતા રાજકીય વાતાવરણ ગરમાઈ જવા પામ્યું છે. અક્ષય પટેલ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે તેમજ કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે વડોદરા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કોંગી સભ્યો કાર્યકરોની અવગણના થતી હોવાનું કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે લખેલા રાજીનામા પત્રમાં જણાવ્યું છે. તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સત્તા ગુમાવ્યાનું કારણ બન્યું છે. ઉપરાંત કોંગ્રેસમાં જૂથબંધીના કારણે બીજા અનેક ધારાસભ્યો નારાજ હોવાનું પણ તેમણે જણાવ્યું છે. છેવટે તેમણે જૂથબંધીથી કંટાળીને રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં ભારે નારાજગી સાથે અક્ષય પટેલનું રાજીનામુ દબાણપૂર્વક ભાજપ સરકારે લખાવી લીધાનું કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કોકોએ ભાજપા પર દોષારોપણ વ્યક્ત કરી અક્ષય પટેલ પાસે દબાણથી રાજીનામુ લખાવી લીધાનો આક્ષેપ કર્યો હતો તેમજ કરજણ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતભાઈ અમીને પણ અક્ષય પટેલના રાજીનામાંની ટીકા કરી દુઃખની લાગણી વ્યક્ત કરી છે.