Ahmedabad

કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને બરોબરનો પાઠ ભણાવશે

અમદાવાદ, તા.૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને અથાગ પ્રયત્ન કરવા છતાં સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો અને જરાક પનો ટૂંકો પડતાં સત્તાથી દૂર રહી જવાયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના જ પદાધિકારીઓ કોંગ્રેસમાં ખલનાયકની ભૂમિકા ભજવતાં નાયક રાહુલ ગાંધીની મહેનત પર પાણી ફરી વળ્યું હતું ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના આવા પક્ષની સાથે ગદ્દારી કરનારા નેતાઓને પક્ષમાંથી પાણીચુ આપવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાત કોંગ્રેસના નેતાઓ, પદાધિકારીઓ સહિતના ૧૭૦ જેટાલ લોકોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં એન્ટીઇન્કમ્બન્સીને પગલે કોંગ્રેસને સત્તા પર આવવાની પૂરેપૂરી તક હતી પણ ખુદ કોંગ્રેસના નેતાઓએ અંદરખાને ભાજપ સાથે હાથ મિલાવી કોંગ્રેસને સત્તા પર આવતાં અટકાવી હતી. રાહુલ ગાંધી હવે ગુજરાતના નેતાઓને જરાય રાજકીય પ્રોત્સાહન આપવાના મૂડમાં નથી કેમ કે, તેમણે પ્રચાર દરમિયાન, ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતાને નજીકથી જોઇ લીધી છે. આ જોતાં હવે કોગ્રેસ હાઇકમાન્ડે પંજાબ બાદ ગુજરાતમાં પક્ષની સાફસૂફી કરવા મન બનાવ્યુ હોય તેવું લાગી રહ્યું છે. પંજાબમાં પણ ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં ૫૨ નેતાઓને ઘરનો રસ્તો દેખાડી દેવાયો છે. હવે ગુજરાતનો વારો છે. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારામાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, જીલ્લા-શહેર પ્રમુખ, મ્યુનિ.કોર્પોરેટર, અમદાવાદ જીલ્લા કોંગ્રેસના ટોચના હોદ્દેદારો સહિતના ઘણા નેતાઓના નામ છે. ૧૭૦ કોંગ્રેસી નેતા, હોદ્દેદારોને નોટિસો ફટકારવામાં આવી છે અને ૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. સૂત્રો કહે છે કે, ખુદ પ્રદેશ પ્રભારી ગેહલોત જ ખુલાસા આધારે નિર્ણય કરશે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર શિક્ષાત્મક કાર્યવાહી થવા જઇ રહી છે. હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને બરોબરનો રાજકીય પાઠ ભણાવવાની તૈયારીમાં છે. ત્યારે આ અંગે કેવા પગલાં ભરાશે તે તો આવનાર સમય જ નક્કી કરશે.