(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત એર ઈન્ડિયાની સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લુરૂ સુધીની સીધી ફ્લાઈટ સફળતાપૂર્વક બેંગ્લુરૂ વિમાની મથકે ઊતરી હતી. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, આ ફ્લાઈટ વિશ્વમાં સૌથી લાંબી ૧૭ કલાક મુસાફરીની કોમર્શિઅલ ફ્લાઈટ છે જે મહિલાઓ દ્વારા સંચાલિત હતી. બંને શહેરો વચ્ચેનું સીધું અંતર વિશ્વના એક ખૂણેથી બીજા ખૂણા સુધી ૧૩,૯૯૩ કિ.મી. છે અને તેમાં ૧૩.૫ કલાકના સમયનું પણ અંતર છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરીએ ટિ્વટર પર લખ્યું હતું કે, પ્રોત્સાહન અને ઉજવણી કરવાની ક્ષણમાં, ભારતીય નાગરિક ઉડ્ડયનની મહિલા વ્યાવસાયિકોએ ઈતિહાસ રચ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સાન ફ્રાન્સિસ્કોથી બેંગ્લુરૂ જવા માટે ઉત્તર ધ્રુવ ઉપર ઉડાન બદલ કેપ્ટન ઝોયા અગ્રવાલ, કેપ્ટન પાપાગારી થન્માઈ, કેપ્ટન અકાંક્ષા સોનાવેર અને કેપ્ટન શિવાનીને હાર્દિક અભિનંદન. ફ્લાઈટ એઆઈ ૧૭૬ શનિવારે (સ્થાનિક સમય) રાત્રે ૮ઃ૩૦ વાગ્યે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી રવાના થઈ હતી અને સોમવારે (સ્થાનિક સમય) સવારે ૩ઃ૪૫ કલાકે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતરી હતી. ૨૩૮ બેઠકોની બેઠક ક્ષમતાવાળી બોઈંગ ૭૭૭-૨૦૦ ન્ઇ વિમાન સાથે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં આઠ ફર્સ્ટ ક્લાસ, ૩૫ બિઝનેસ ક્લાસ, ૧૯૫ ઈકોનોમી ક્લાસ ઉપરાંત ચાર કોકપીટ અને ૧૨ કેબિન ક્રૂનો સમાવેશ થાય છે.