કોડીનાર તા.૧૫
જમ્મુ કાશ્મીરના પુલવામાં ગઈકાલે સી.આર.પી.એફ.ના જવાનોની કાફલાની બસ ઉપર આતંકીઓ દ્વારા કરાયેલા કાયરતાપુર્ણ ફિદાઈન હુમલાની ઘટનાને કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભારે શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો. કાશ્મીરના ઈતિહાસના આ સૌથી ભયંકર આતંકી હુમલામાં ૪૨ જવાનો શહીદ થયા ઉપરાંત ૪૫ જેટલા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા આ બિહામણી ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષની લાગણી જન્મી છે, ત્યારે કોડીનાર મુસ્લિમ સમાજે પણ આ હીંચકારા બનાવને સખત શબ્દોમાં વખોેડી કાઢ્યો છે. કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ સૈયદ ભીખુબાપુ કાદરી, કાદરી સૈયદ જમાતના પ્રમુખ સૈયદ જીલાનીબાપુ કાદરી, નગરપાલિકાના પ્રમુખ હાજી રફીકભાઈ જુણેજા,ગુજરાત પ્રદેશ ભાજપ વઘુમતી મોરચાના પ્રમુખ જીશાનભાઈ નકવી,વગેરે મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનોએ આ હુમલાને વખોડી, આ આતંકી હુમલાને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી,ઘવાયેલા જવાનોની વહેલા સાજા થવાની દુઆઓ કરી હતી. તેમજ આજે જુમ્માની નમાઝ બાદ આ હુમલાની નિંદા કરી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘાયલો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.