(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨
કોરોનાની મહામારીને લઈને લોકડાઉન દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે સાવચેતી રાખવી ખૂબ જ આવશ્યક છે, ત્યારે રાજ્યમાં જાહેર થયેલા રેડ ઝોન વિસ્તારને કોર્ડન કરીને આ વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાશે. એમ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
વધુમાં ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, રાજ્યના જે વિસ્તારો ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં છે, તે વિસ્તારો હાલ કોરોના વાયરસથી ઓછા સંક્રમિત અને સલામત છે, ત્યારે આ ઝોનમાં પણ તકેદારી રાખવામાં નહીં આવે અને અન્ય ઝોનના અનઅધિકૃત વ્યક્તિઓની અવર-જવર થતી રહેશે, તો આ ઝોન પણ રેડ ઝોનમાં ફેરવાઇ જતાં સમય નહીં લાગે. એટલે જ ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારમાં પણ પોલીસનું સખ્ત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ સલામત ઝોનમાં પણ અધિકૃત વ્યક્તિઓને મંજૂરી વગર પ્રવેશ આપવામાં આવશે નહીં.
ડીજીપી ઝાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પોતાનો વિસ્તાર ગ્રીન ઝોનમાં જ જાળવી રાખવો હોય તો દરેકે સતર્ક અને સાવધાન રહેવું પડશે. કોઈપણ બહારની વ્યક્તિને આપણા વિસ્તારમાં બોલાવીશું નહીં અને મેડિકલ ચેકઅપ વગર કોઈ અનઅધિકૃત વ્યક્તિને પોતાના વિસ્તારમાં પ્રવેશ આપીશું નહીં તો જ આપણો વિસ્તાર કોરોના સંક્રમિત થશે નહીં અને આપણે ગ્રીન ઝોનમાં જ રહીશું. લોકડાઉન દરમિયાન બિનજરૂરી અવર-જવર કરવા સહિતની સ્વયંશિસ્તની પણ એટલી જ આવશ્યકતા છે, ત્યારે લોકોની બિનજરૂરી અવર-જવર અટકાવવા તથા શાકમાર્કેટ અને કરિયાણાની દુકાનો પર ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુસર પોલીસ ખાસ પેટ્રોલિંગ કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાસ કે મંજૂરી વિના આંતર જિલ્લા કે આંતર રાજ્યમાં અવર-જવર ચલાવી લેવાશે નહીં. આવી વ્યક્તિઓ પર કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. વતનમાં જતા પરપ્રાંતિય લોકોએ તથા આંતરરાજ્ય મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ પણ કેન્દ્રએ જારી કરેલી ગાઈડલાઈન મુજબ પાસ તથા મેડિકલ ચેકઅપ સહિતની તમામ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગઈકાલે કર્ણાટકથી અલગ-અલગ માલવાહક વાહનોમાં બેસીને લોકડાઉનનો ભંગ કરી વલસાડ ખાતે આવેલા વધુ ત્રણ વ્યક્તિ સામે ગુનો દાખલ કરી તેમને ક્વોરન્ટાઈન કરવા ઉપરાંત મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સુરા જમાતના મરકઝથી ગુજરાતમાં લોકડાઉન ભંગ કરીને આવેલા વ્યક્તિઓ સામે અત્યાર સુધીમાં ૨૨ ગુના નોંધવામાં આવ્યા છે.
લોકડાઉનમાં સોસાયટીના CCTVના આધારે અત્યાર
સુધી ૪૬૦ ગુનામાં ૬૨૨ લોકોની અટકાયત
અમદાવાદ, તા.૨
લોકડાઉનમાં વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગતરોજથી દાખલ થયા છે, તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૫ ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૬૮૬ ગુના દાખલ કરીને ૨૦,૪૪૬ લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૯ ગુના નોંધીને ૧૩૭ લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી ૨,૨૩૮ ગુના નોંધીને ૩,૩૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમ ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૨૦ ગુનામાં ૨૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આજદિન સુધીમાં ૪૬૦ ગુનામાં કુલ ૬૨૨ લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં ૨૩ ગુનાની સાથે અત્યાર સુધીમાં ૬૦૮ ગુના દાખલ કરીને ૧,૨૮૨ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા વધુ ૧૯ એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આવા ૫૫૨ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વીડિયોગ્રાફી મારફત ગઈકાલના ૨૧૬ ગુના સહિત અત્યાર સુધીમાં કુલ ૧,૯૦૨ ગુના નોંધવામાં આવ્યા છે. ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) દ્વારા ગઈકાલના ૬૨ સહિત આજદિન સુધીમાં કુલ ૮૯૨ ગુના દાખલ કરવામાં આવ્યા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત ગઇકાલના ૮૧ ગુના દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે આજદિન સુધીમાં ૬૩૬ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ગઈકાલથી આજ સુધીમાં જાહેરનામા ભંગના ૨૫૬૮ ગુના, ક્વૉરન્ટાઇન કરેલી વ્યક્તિઓ દ્વારા કાયદાભંગના ૧,૦૩૦ ગુના તથા અન્ય ૫૯૨ ગુના દાખલ કરી કુલ ૪,૧૩૦ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ૮,૦૨૫ વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૯,૬૨૦ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ગતરોજ સુધીમાં ૭,૯૨૪ અને અત્યાર સુધીમાં ૧,૫૬,૯૪૨ ડિટેઇન કરાયેલાં વાહનોને મુક્ત કરવામાં આવ્યા છે.