Ahmedabad

કોરોનાને લીધે પ્રવાસી ઘટતા ઝૂના પશુ-પક્ષીઓ પણ જાણે કંટાળી ગયા હોય તેવી સ્થિતિ

 

કોરોનાની મહામારીને લીધે ગાઈડલાઈનનું પાલન કરવા સાથે સરકારે બાગ બગીચા સહિત જાહેર સ્થળો ખુલ્લા તો કર્યા પરંતુ મોટાભાગના જાહેર સ્થળો પર લોકો જવાનું ટાળી રહ્યા છે. અમદાવાદનું સુપ્રસિદ્ધ કાંકરિયા લેક ફ્રન્ટ ખોલવામાં આવ્યું છે જ્યાં લોકોનો ઘસારો પણ રહે છે પરંતુ ઝૂ, બાલવાટિકા સહિત આસપાસના સ્થળોએ લોકો ઓછા જઈ રહ્યા છે. કાંકરિયા ઝૂમાં હાલ ખૂબ ઓછી સંખ્યામાં લોકો જઈ રહ્યા હોવાથી ખાસ ચહલપહલ વર્તાતી નથી. આથી બારેમાસ લોકટોળા જોવા ટેવાયેલા પશુ-પક્ષીઓ પણ જાણે કંટાળો અનુભવતા હોય તેમ જણાય છે. કારણ કે પ્રવાસીઓની ચહલપહલ અને તેઓ દ્વારા આપવામાં આવતા ખોરાકથી પશુ પક્ષીઓ ખાવા માટે ઉમટી પડતા હોય છે. આથી જ્યારે એકલદોકલ પ્રવાસીઓ જે તે પાંજરાની મુલાકાતે જાય છે ત્યારે પશુ પક્ષીઓ ખોરાકની લાલચે તેમની તરફ દોડી આવતા હોય છે. આવી જ એક ક્ષણે પ્રવાસીઓને જોઈ ખોરાકની લાલચમાં ઉમટી પડતા બતકો જોઈ શકાય છે. બતકો પણ જાણે વિચારતા હશે કે આ કોરોના ક્યારે જશે ?