ઊંચા ઈન્ટરનેટ દરો, સોશિયલ મીડિયા વપરાશમાં વધારો અને વપરાશકર્તાઓની ઈન્ટરનેટ સાક્ષરતાના અભાવને કારણે ભારતમાં કોવિડ-૧૯ અંગે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી : સંશોધન
ભારત બાદ અમેરિકા, બ્રાઝિલ અને સ્પેન અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને : ૧૩૮ દેશોમાં કરાયેલા અભ્યાસનું તારણ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
નવા અભ્યાસ મુજબ, દેશના ઊંચા ઈન્ટરનેટ દરો, સોશિયલ મીડિયા વપરાશમાં વધારો અને વપરાશકર્તાઓની ઈન્ટરનેટ સાક્ષરતાના અભાવને કારણે ભારતે કોવિડ-૧૯ અંગે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ખોટી માહિતી ફેલાવી હતી. કોરોના અંગે ખોટી માહિતી ફેલાવવા અંગે વિશ્વના ૧૩૮ દેશોમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસને ‘પ્રિવેલન્સ એન્ડ સોર્સ એનાલિસિસ ઓફ કોવિડ-૧૯ મિસઈન્ફોર્મેશન ઈન ૧૩૮ કન્ટ્રીઝ’ નામ આપવામાં આવ્યું હતું. સેજના લાયબ્રેરી એસોસિએશન્સ ઓફ ઈન્ટરનેશનલ ફેડરેશન અને ઈન્સ્ટિટ્યૂશન્સ જર્નલમાં આ અભ્યાસ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અભ્યાસમાં ૧૩૮ દેશોમાં ઉદ્ભવેલ ખોટી માહિતીના ૯૬૫૭ ભાગોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વિવિધ દેશોમાં ખોટી માહિતીના વ્યાપ અને સ્ત્રોતોને સમજવા માટે ૯૪ સંસ્થાઓ દ્વારા તેમની તથ્ય તપાસ કરવામાં આવી હતી. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ દેશોમાંથી ભારતમાં ૧૮.૦૭ ટકા સૌથી વધુ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી. કદાચ દેશના ઊંચા ઈન્ટરનેટ દરો, સોશિયલ મીડિયા વપરાશમાં વધારો અને વપરાશકર્તાઓના ઈન્ટરનેટ સાક્ષરતાના અભાવને કારણે આવું થયું હોવું જોઈએ.
ઉપરાંત અભ્યાસમાં એવું પણ દર્શાવવામાં આવ્યું હતું કે, ભારત ૧૫.૯૪ ટકા, અમેરિકા ૯.૭૪ ટકા, બ્રાઝિલ ૮.૫૭ ટકા, સ્પેન ૮.૦૩ ટકા સાથે અનુક્રમે પહેલાં, બીજા, ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા. અભ્યાસના આધારે જણાવવામાં આવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે, કોવિડ-૧૯ ખોટી માહિતીનો વ્યાપ રોગચાળાની પરિસ્થિતિ સાથે સકારાત્મક જોડાણ ધરાવે છે. આ અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચેતવણી આપી હતી કે, કોરોના અંગે વિવિધ દેશોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. જે લોકોના જીવન જોખમમાં મૂકી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠને લોકોને અપીલ કરી હતી કે, તેઓ કોરોના મામલે સત્તાવાર અહેવાલો પર જ વિશ્વાસ રાખે.