અમદાવાદ, તા.ર૩
દેશ અને દુનિયાની સાથે રાજ્યમાં પણ કોરોનાની દહેશત છે ત્યારે મુખ્યમંત્રીએ સીએમ ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી રાજ્યના મહાનગરોના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ અને તબીબો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી વિવિધ માહિતી લઈ સારવાર લઈ રહેલાઓને જલ્દી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ આપી હતી. જ્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા મહાનગરોના વેપાર ઉદ્યોગ સંગઠનો ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આપી સરકાર તેમની સારવારની ચિંતા કરે છે તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. તેમણે સારવાર લઈ રહેલા સૌને રિકવરી બાદ પણ થોડા દિવસ તકેદારી રૂપે સેલ્ફ આઇસોલેશન અને પરિવારજનોએ પણ કવોરેન્ટન રહેવા સલાહ આપી હતી. રાજ્યના મહાનગરોમાં આ દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો સાથે પણ વ્યક્તિગત વાતચીત કરીને તેમને આ સેવાકાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતાં. રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે મુખ્યમંત્રીને વેપાર-ઉદ્યોગના સહયોગ હેતુથી ૬ મહાનગરોના વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપાર ઉદ્યોગ-સગંઠનોને અપિલ કરતા કહ્યું કે, આ મહામારીના સમયે જીવજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની અન્ય ચીજવસ્તુઓના વેચાણ બંધ રાખીને કોરોના વાયરસનો વ્યાપ ગુજરાતમાં ન વધે તેના માટે સહયોગ આપવો જોઇએ. આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દૂઘ શાકભાજી, કરિયાણું, અનાજ, ફામર્સી જેવી વસ્તુઓની નાગિરોકોને ઘટ ન થાય તેનું વેપાર ઉદ્યોગ- સંગઠનોએ ધ્યાન રાખવું જોઇએ એમ તેમણે ઉમેર્યું હતું.