(એજન્સી) લંડન, તા.પ
બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન સામે અગમચેતી રૂપે વડાપ્રધાન બોરિસ જોહન્સને દોઢ માસના લોકડાઉનની જાહેરાત કરી હતી.
હાલ બ્રિટનમાં અગાઉના કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઈ રહી છે ત્યાં કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ ફેલાવાનો શરૂ થયો હતો. એની અસર ભારતમાં પણ દેખાઈ હતી. ઈંગ્લેન્ડથી ભારત આવેલા મુસાફરોમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની અસર જોવા મળી હતી. બ્રિટનમાં તમામ બિનજરૂરી દુકાનો અને મોલ્સ બંધ રહેશે. હેર કટિંગ સલૂન, રેસ્ટોરાં વગેરેમાં પણ હાલ કોઈ પ્રવૃત્તિ નહીં થાય. જો કે રેસ્ટોરાં ટેક અવે સેવા ચાલુ રાખી શકશે. સોમવાર સાંજ સુધી ઈંગ્લેન્ડની હોસ્પિટલોમેં ૨૬, ૬૨૬ દર્દીઓ હતા. ગયા સપ્તાહ કરતાં આ વધારો ૩૦ ટકા જેટલો હતો.
વડાપ્રધાને કહ્યું હતું કે, કોરોનાના નવા સ્ટ્રેન સામે અગમચેતી રૂપે દોઢ માસનો લોકડાઉન લાદવાની ફરજ પડી હતી. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ પણ ફેબ્રુઆરીના અંત સુધી કેમ્પસમાં પાછા નહીં ફરી શકે. સોમવારે રાત્રે બોરિસ જોહન્સને રાષ્ટ્રવ્યાપી પ્રવચન કર્યું હતું અને કહ્યું હતું કે, દેશ અત્યારે બહુ મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યો હતો. કોરોનાના નવા સ્ટ્રેન સામે રક્ષણ માટે લોકડાઉન લાદવાની સરકારને ફરજ પડી રહી હતી. લોકો આ મુદ્દો સમજી શકશે અને સરકારના પ્રયાસોમાં સાથ સહકાર આપશે એવી આશા છે. દેશના દરેક વિસ્તારમાં કોરોના ઝડપભેર પ્રસરી રહ્યો હતો. એવા સમયે કડક પગલાં લેવા જરૂરી બની રહ્યા હતા. બાળકોનો અભ્યાસ ઓનલાઈન ચાલી શકે છે. અનિવાર્ય કામ સિવાય લોકોએ ઘરની બહાર નીકળવું નહીં એવી હેલ્થ વર્કર્સની સલાહ હતી. જીવન જરૂરી ચીજો ખરીદવા લોકો બહાર નીકળી શકે છે. એ સિવાય ઘરની બહાર નીકળશો નહીં. આ જાહેરાત કરવા અગાઉ વડાપ્રધાને એવો અણસાર આપી દીધો હતો કે કોરોના અને કોરોનાના નવા સ્ટ્રેન સામે કડક પગલાં ભરવા પડશે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો.