(એજન્સી) ચંદીગઢ, તા. ૨૩
દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા પંજાબ સરકારે સમગ્ર રાજ્યમાં કર્ફયુ લાદી દીધો છે. પંજાબમાં લોકો લોકડાઉન છતાં બહાર આવવાનું ચાલુ રાખ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં કર્ફયુની જાહેરાત કરી દીધી છે. જયારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં કર્ફયુ લાદવાના આદેશ આપી દીધા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, લોકો પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરતા નથી અને હવે સ્થિતિ હાથમાં ન હોવાથી નિર્ણય લેવો પડ્યો છે. રાજ્યના લોકોને સંબોધનમાં તેમણે જણાવ્યું કે, કોરોનાવાયરસના નિર્ણાયક સ્ટેજમાં છીએ, આ ટર્નિંગ પોઇન્ટ હોઇ શકે છે. તેને હમણા રોકવામાં નહીં આવે તો સ્થિતિ હાથમાંથી નીકળી જશે.
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે આગામી આદેશ ના મળે ત્યાં સુધી આખા રાજ્યમાં કર્ફયુ લાદી દેવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવ તથા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સાથે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ઉપરોક્ત નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર કર્ફયુ દરમિયાન કોઇપણ જાતની છૂટછાટ આપવામાં આવશે નહીં. સત્તાવાર સૂત્રો અનુસાર રાજ્ય સરકારે તમામ જિલ્લા અધિકારીઓને આ આદેશનું પાલન કરાવવા માટે સૂચના આપી દેવાઇ છે. દરમિયાન વધુમાં કહેવાયું છે કે, એવા વ્યક્તિને જ છૂટછાટ આપવામાં આવશે જેઓ ચોક્કસ સમય માટે કારણ આપી શકે. આની સાથે જ પંજાબ દેશમાં એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં કોરોના વાયરસને લઇને કર્ફયુ લાદવાનો આદેશ અપાયો છે.