(એજન્સી) તા.૧૧
કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં બેરોજગારીની ગંભીર સમસ્યા સર્જાઇ છે અને વપરાશને પણ મોટો ફટકો પડ્યો છે. ભારતીય મૂળની વ્યક્તિ સહિતના સંશોધનકારો એ જણાવ્યુ કે, કોવિડ-૧૯થી ૧૪.૭ કરોડ ડોલર બેરોજગાર બન્યા છે અને વૈશ્વિક વપરાશમાં ૩.૮ લાખ કરોડ ડોલરની ખોટ થવાની ધારણા છે. કોરોના મહામારીની લોકોના આરોગ્ય ઉપર અસરો ઉપરાંત તેને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વભરમાં મોટું સામાજિક અને આર્થિક નુકસાન થયું હોવાનું સંશોધનકારોએ જણાવ્યું હતું. જ્યારે કેટલાક દેશો જેવાં કે, ચીન અને અમેરિકાને અન્યોની તુલનાએ વધારે સીધી આર્થિક અસરો થઇ છે, આંતરરાષ્ટ્રીય વેપારના જોડાણથી સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને અસર થઈ છે.
ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના સંશોધનકર્તા અરૂણિમા મલિકે જણાવ્યું હતું કે, અમારૂં અધ્યયન આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનની આંતરસંબંધિત પ્રકૃતિ પર પ્રકાશ પાડે છે, જેમાં ઉત્પાદન, પર્યટન અને પરિવહન જેવા વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં પડેલી અસરો છે. ‘પ્લોસ વન’ જર્નલમાં પ્રકાશિત થયેલા તારણો માટે, સંશોધન ટીમે આ રોગચાળાના સીધા પરિણામ રૂપે વૈશ્વિક વેપાર-ધંધામાં થયેલા નુકસાન અંગેના ડેટા પર મલ્ટિ-રિજિયન ઇનપુટ-આઉટપુટ (એમઆરઆઈઓ) વિશ્લેષણ તરીકે ઓળખાતા ઇકોનોમિક મોડેલિંગ અભિગમને લાગુ કર્યું છે. એમઆરઆઈઓનાં અભિગમથી સંશોધનકારોને આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન દ્વારા કોઇ એક વ્યક્તિ દેશમાં થયેલું નુકસાન ઇન્ટરેશનલ સપ્લાય ચેઇન મારફતે કેવી રીતે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને પ્રાભવિત કરી શકે છે. વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે વૈશ્વિક વપરાશમાં ૩.૮ લાખ કરોડ ડોલરનું નુકસાન થયું છે, તેની સાથે જ ૧૪.૭ કરોડ લોકોએ સંપૂર્ણ સમયની રોજગારી ગુમાવી છે ઉપરાંત વેતન અને પગારમાં ૨.૧ લાખ કરોડ ડોલરનું નુકસાન થયું છે. અલબત્ત, તેના સારા પરિણામ તરીકે, ઉત્પાદન અને હવાઇ મુસાફરી ઘટવાથી પર્યાવરણને ફાયદો થયો છે એવું સંશોધનકારોએ જણાવ્યું હતું. એમઆરઆઈઓના વિશ્લેષણમાં ગ્રીનહાઉસ ગેસમાં ૨.૫ મેટ્રિક ગીગાટોનનો ઘટાડો, તેમજ PM૨.૫, સલ્ફર ડાયોક્સાઇડ અને એનઓક્સ વાયુઓ સહિતના અન્ય હવા પ્રદુષકોમાં નોંધપાત્ર ઘટાડો થવાનો અંદાજ છે. હાલની મહામારીના સંદર્ભમાં લીધેલા નિર્ણયો મનુષ્યોના ભાવિને આકાર આપી શકે છે. તેઓ “હંમેશની જેમ ધંધામાં” પાછા ફરવા વચ્ચેની પસંદગીની રૂપરેખા આપે છે, જે માનવતાને નવા સંકટ તરફ દોરી શકે છે અથવા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફેરફાર લાવી શકે છે.