(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨
દેશમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ની પહેલી વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે આણંદ શહેરમાં કોરોના વેક્સિનની તૈયારી માટે આજે ત્રણ કોરોના વેક્સિન કેન્દ્રો પર ડ્રાય રન યોજવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આજે આણંદ શહેરમાં કોરોના વેક્સિનની તૈયારી માટે ડ્રાય રન યોજવામાં આવી હતી, જે અંતર્ગત આણંદની જનરલ હોસ્પિટલ, શાળા નં.૧૩ અને બાકરોલના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. આજે સવારે ઈન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટિયાએ કેન્દ્રોની મુલાકાત લઈ તમામ તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રાય રન અંતર્ગત આરોગ્ય વિભાગના જ પ્રથમ ૭૫ કર્મચારીઓને કોરોના ડમી વેક્સિન આપવામાં આવી હતી. ત્રણેય વેક્સિન કેન્દ્રો ખાતે સવારે ૧૦ઃ૩૦ કલાકે ડ્રાય રન શરૂ કરવામાં આવી હતી. કલેકટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ અને ઈન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલિની ભાટિયા સહિત અધિકારીઓએ ત્રણેય કોરોના વેક્સિન કેન્દ્રોની મુલાકાત લઈ કોરોના વેક્સિન માટેની તમામ તૈયારીઓ નિહાળી હતી. તેમજ કલેક્ટર આર.જી. ગોહિલ દ્વારા ડમી વેક્સિન મૂકાવીને સમગ્ર પ્રક્રિયાની આકસ્મિક ચેકિંગ કરી હતી. આણંદ જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા ૪.૧૭ લાખ નાગરિકોને વેક્સિન મૂકવામાં આવશે. તેમજ ૫૦ વર્ષથી ઓછી વય ધરાવતા અને જુદી-જુદી બીમારી ધરાવતા ૫ હજારથી વધુ નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તેઓને પણ વેક્સિન આપવામાં આવશે, જ્યારે આરોગ્ય કર્મચારીઓ સહિત ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર કર્મચારીઓને પહેલાં તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.