Ahmedabad

ક્ચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા કરાયેલ એફિડેવિટથી હાઇકોર્ટ ખફા કહ્યું યોગ્ય પગલાં લો અને નવું એફિડેવિટ ફાઇલ કરો

(સંવાદદાતા) અમદાવાદ તા.૯
કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર સરકારે જમીનના જૂના માલિકને ચૂકવી દીધું હોવાનો આક્ષેપ કરતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ક્ચ્છ જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી છે તેમજ કલેક્ટરને સમ ન્સ પાઠવી નવમી ડિસેમ્બરના રોજ હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો હતો તથા યોગ્ય પગલાં લઈ એફિડેવિટ સ્વરૂપે રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું હતુ. જેથી આજે ક્ચ્છ જિલ્લા કલેક્ટરે જાતે હાજર રહી કોર્ટને સુપરત કર્યું હતું. આ એફિડેવિટ યોગ્ય ના હોય તથા હાઈકોર્ટે કરેલાં ઓર્ડર મુજબનું નહોઇ હાઇકોર્ટ ખફા થઈ હતી અને કડક વલણ અપનાવતા ક્ચ્છ જિલ્લા કલેક્ટરને ઠપકો આપ્યો હતો અને યોગ્ય પગલાં લઈ તથા જરૂર જણાય તો જૂના માલિક સામે એફઆઈઆર નોંધાવી અને વળતર રૂપે આપેલ નાણાં રિકવર કરી આગામી મુદ્દતે ક્ચ્છ જિલ્લા કલેક્ટરે જાતે કોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું. કચ્છના લખપત તાલુકાના નાની છેર ગામના એક અરજદારની રજૂઆત હતી કે તેમણે વર્ષ ૨૦૦૬માં આ ગામમાં જમીન લીધી હતી. આ જમીનના પૈસા ચૂકવી ખરીદીની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧માં અહીં રાજ્ય સરકારે ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના એક પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરી હતી અને તેમાં તેમની જમીનનો પણ સમાવેશ થતો હતો. જો કે આ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીનનું વળતર તેમને નહીં પરંતુ જૂ ના માલિકને ચૂકવવામાં આવ્યું છે. વળતર માટે તેમણે સ્થાનિક કક્ષાએ ઘણી રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી તેમને કોઇ પ્રતિસાદ મળ્યો નથી.
સ્થાનિક મહેસૂલ વિભાગને પણ જાણકારી છે કે વર્ષ ૨૦૦૬માં તેમણે જમીન ખરીદી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી. હાઇકોર્ટે જિલ્લા કલેક્ટરને નવમી ડિસેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો હતો. પિટિશનમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે જવાબ રજૂ કરવાનો તેમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કલેક્ટરને આ કિસ્સામાં તપાસ હાથ ધરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. જો તપાસ દરમિયાન કોઇ અધિકારીની ગેરરીતિ સામે આવે તો તેમની સામે ફોજદારી કેસ નોંધાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કેસની આગામી સુનાવણી ૧૬ ડિસેમ્બરે રાખવામાં આવી છે.