(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૦
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા ખારીવાડી હરીજનવાસમાં ગત રાત્રીના ૯-૩૦ વાગ્યાના સુમારે નજીવી બાબતે ઝઘડો થતા ચાર જેટલા શખ્સોએ ઉશ્કેરાઈ જઈને હરીજન યુવકને ગડદાપાટુનો માર મારી તેમજ પથ્થરમારો કરી જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યાની ફરિયાદ ખંભાત સીટી પોલીસ મથકે નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર ખંભાતના લાલ દરવાજા ખારીવાડી હરીજનવાસમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશકુમાર સુરેશભાઈ હરીજન ગત રાત્રીના ૯-૩૦ વાગ્યાના સુમારે કાર્ડીયાક હોસ્પિટલમાં પોતાની નોકરી પરથી ઘરે આવેલા અને ઘરની સામે ખુલ્લા ખેતરમાં પેશાબ કરવા ગયા હતા. ત્યારે અંધારામાં ખેતરમાં ભાવિનભાઈ સુરેશભાઈ ચુનારા સહિત ચાર જણાએ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી જાતિ વિશે અપશબ્દો ઉચ્ચારી તું ખેતરમાં કેમ આવ્યો તેમ કહી ઝઘડો કરતા ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશે હું ફક્ત પેશાબ કરવા આવ્યો હતો તમે ગાળો બોલશો નહી તેમ કહેતા ચારેય જણાએ ઉશ્કેરાઈ જઈ ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશને ગડદાપાટુનો માર મારી પથ્થરમારો કરી તેમજ કાંડા ઉપર પથ્થર મારી ઈજાઓ કરી તેમજ વચ્ચે છોડાવવા પડેલા લલિત મહેશભાઈ જાદવને પણ પથ્થર મારી ઈજાઓ કરી હતી તેમજ જાતિવાચક અપશબ્દો ઉચ્ચારી અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ ઘટનાની જાણ થતા ખંભાત સીટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મામલો થાળે પાડી આ બનાવ અંગે ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશકુમાર સુરેશભાઈ હરીજનની ફરિયાદના આધારે ભાવિનભાઈ સુરેશભાઈ ચુનારા, હીરેનભાઈ સુરેશભાઈ ચુનારા, જીગરભાઈ મુકેશભાઈ ચુનારા, પ્રવિણભાઈ ધીરૂભાઈ ચુનારા સહિત ચાર જણા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.