(એજન્સી) તા.૪
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પર ભગવા પક્ષ દ્વારા શાસિત રાજ્યો, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં દલિતો અને આદિવાસીઓ પર કથિત જાતિ આધારિત અત્યાચારો અંગે પ્રહારો કર્યા હતા. ખર્ગેએ X પર પોસ્ટ કર્યું કે,‘સંસદમાં, ગૃહપ્રધાન અમિત શાહ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરે છે અને ભાજપ શાસિત રાજ્યોમાં સમાન વિરોધી માનસિકતાનું પુનરાવર્તન થઈ રહ્યું છે,’. ખડગેએ કે જેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા (LoP) છે તેમણે જણાવ્યું હતું કે, “મોદી સરકારના બંધારણ વિરોધી શાસન હેઠળ દલિતો, આદિવાસીઓ, પછાત અને લઘુમતી સમુદાયો પર અત્યાચારો થઈ રહ્યા છે તે જાણીતું છે. જેઓ ગરીબ અને વંચિત છે તેઓ મનુવાદનો ભોગ બનતા હોય છે,”. ખડગેએ વધુમાં જાતિ આધારિત અત્યાચારની તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં મધ્યપ્રદેશના દેવાસમાં પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મૃત્યુનો સમાવેશ થાય છે. તેણે ઓડિશાના બાલાસોરની બીજી ઘટના પણ દર્શાવી, જ્યાં એક આદિવાસી મહિલાને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવી. ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હરિયાણાના ભિવાનીની એક દલિત વિદ્યાર્થિનીને તેની BA પરીક્ષા ફી ચૂકવવામાં અસમર્થ હોવાને કારણે જીવનનો અંત લાવવાની ફરજ પડી હતી.’