Special Articles

ખરા દિલથી વહ્યાં હો, જેમાં અશ્રુ મારા મૃત્યુ પર, બને તો એ રૂમાલો લાવજો, મારા કફન માટે : – આસિમ રાંદેરી

મોહબ્બતના રંગીલા શાયરનું બિરૂદ પામેલા અને “લીલા”ના સ્વપ્ન શિલ્પી તરીકે ઓળખાતા શાયર “આસિમ રાંદેરી”નું મૂળ નામ મહેમૂદમિયાં મહંમદમિયાં સુબેદાર હતું. રાંદેરના જાણીતા કુટુંબમાં ર ડિસેમ્બર, ૧૯૦૪ના રોજ તેમનો જન્મ થયો હતો. આ નસીબદાર શાયરને તેમના વિદ્વાન પિતાની વિદ્વતાના સંસ્કાર મળ્યા હતા અને વિરાસતમાં ઉર્દૂ-ફારસીના અનેક અપ્રાપ્ય કાવ્ય સંગ્રહો-ગ્રંથો ધરાવતું કિંમતી પુસ્તકાલય મળ્યું હતું. આ સાહિત્યના અધ્યયન અને મનનથી તેમણે પ્રેરણાના પીયુષ પીધા હતા. આ અરસામાં અલીગઢના ફારસી ભાષાના ઉસ્તાદ જ. મુનશી ઉમરખાનના માર્ગદર્શન હેઠળ એમણે શાયરી સર્જનનો આગાઝ કર્યો હતો. આસિમ સાહેબ શરૂઆતના તબક્કામાં ઉર્દૂ ભાષામાં શાયરી રચતા હતા. પછી તેમણે ગરવી ગુજરાતી ભાષામાં લખવાનું શરૂ કર્યું હતું. તેમની એક કવિતા તે વખતના જાણીતા સાપ્તાહિક “બે ઘડી મોજ”માં ઈ.સ. ૧૯ર૭માં તેના તંત્રી ગઝલ સમ્રાટ “શયદા”એ છાપી હતી.
ઈ.સ.૧૯રપમાં તેમણે તેમના મિત્ર જ. મૌલવી અબ્દુલ રહીમ સાદિક સાથે “સાદિક” નામનું ગુજરાતી માસિક શરૂ કરી પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. ઈ.સ. ૧૯ર૮માં આ શાયરે ઈસ્ટ આફ્રિકાની વાટ પકડી હતી. નૈરોબીમાં તેમણે “અરવિંદ” નામનું હસ્તલિખિત માસિક દોસ્તોના સહકારથી આરંભ્યું હતું તો ઈ.સ.૧૯૩૦માં તેઓ મોમ્બાસાના “કેન્યા ડેઈલી મેઈલ” નામના અખબારના તંત્રી વિભાગમાં જોડાયા હતા.
ભારત આવ્યા પછી ઈ.સ. ૧૯પ૦માં મુંબઈની એક યુરોપિયન કંપનીમાં ચીફ સેલ્સ ઓર્ગેનાઈઝર તરીકે તેમણે વર્ષો પર્યંત નોકરી કરી હતી. તેમણે આ દરમિયાન મુંબઈથી “લીલા” નામના માસિકનો આરંભ કર્યો હતો. ભારે લોકચાહના મેળવેલ આ માસિકના અંકો સતત છ વર્ષ સુધી પ્રગટ થતા રહ્યા હતા. “લીલા” વિશેની ગઝલો-નઝમો-મુકતકોને જબરજસ્ત આવકાર મળતા તેમણે વિદેશની સફર ખેડી હતી. ઈ.સ. ૧૯પ૬માં કોલંબો અને ઈસ્ટ આફ્રિકા તેમજ ઈ.સ. ૧૯૬૧માં માડાગાસ્કર તથા મોરેશિયસનો પ્રવાસ ખેડી ત્યાંની હિંદુસ્તાની જનતાને તેમની શાયરીનું આકંઠ રસપાન કરાવ્યું હતું. ગુર્જર રંગભૂમિના ખ્યાતનામ કલાકાર શ્રી જયશંકર “સુંદરી”ના આગ્રહને વશ થઈ તેમણે “નૂરજહાં” નામના ઐતિહાસિક નાટક માટે પ્રસંગને અનુરૂપ એક ખાસ ગઝલ લખી આપી હતી. કવિ જામનની કંપની માટે આ શાયરે “નગદ સોદો”, “વાસનાનાં વ્હેણ” અને “કાળી વાદળી” નામના નાટકોનો હિંદી ભાષામાં અનુવાદ કરી આપ્યો હતો. તેમની ઉર્દૂ, હિંદી, ગુજરાતી ગઝલો-ગીતોની રેકર્ડ હીઝ માસ્ટર વોઈસે બહાર પાડી હતી. મૂર્ધન્ય સાક્ષર શ્રી કનૈયાલાલ મુનશીએ સ્થાપેલ સાહિત્ય સંસદના ઉપક્રમે શ્રી આનંદશંકર ધ્રુવના પ્રમુખ પદે મુંબઈમાં કવિ સંમેલન યોજાયું હતું. તેમાં આસિમ રાંદેરીએ “અંધ બાળા” નામની તેમની કવિતા રજૂ કરી હતી. આ કવિતાને આનંદશંકર ધ્રુવે તેમના ત્રિમાસિક “વસંત”માં સ્થાન આપ્યું હતું. પછીથી આ કવિતાને “સાહિત્ય પલ્લવ” નામના પાઠ્યપુસ્તકમાંયે સ્થાન મળ્યું હતું.
તેમના “લીલા” માસિકપત્રમાં છપાયેલી અને દિલની ખૂશ્બુને ફેલાવતી તેમની ૧૦૦ રચનાઓને તેમણે કથા સ્વરૂપનો રંગ આપ્યો હતો. આ રચનાઓનો સંગ્રહ “લીલા” નામથી ઈ.સ. ૧૯૬૩માં પ્રગટ થયો હતો. સળંગ ગઝલ-કથા “લીલા” નામનું આ પુસ્તક ગુજરાતી ગઝલ સાહિત્યમાં પ્રથમ પ્રદાન ગણાય છે. ત્યારબાદ કિસ્મત કુરેશીએ “વિરહિણી” અને મલિક મોહમ્મદે “લજ્જા” નામથી ગઝલકથાનો આવો પ્રયોગ કર્યો છે. આ પછી આપણી ભાષામાં આવું કામ થયેલું જાણમાં નથી. તેમનો બીજો ગઝલસંગ્રહ “શણગાર” ઈ.સ. ૧૯૭૮માં અને ત્રીજો સંગ્રહ “તાપી તીરે” ઈ.સ.ર૦૦૧માં પ્રગટ થયેલ છે. ગઝલના બાબ-ઉલ-મક્કા (પ્રવેશદ્વાર) તરીકે ગણાતા રાંદેરમાં તા.૫ ઓકટોબર, ૧૯૯૧ના રોજ આદરપાત્ર સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના અધ્યક્ષ સ્થાને આસિમ સાહેબનું ભવ્ય સન્માન કરાયું હતું. લોકપ્રિયતા નામના એવોર્ડથી વિભૂષિત આ ઉત્તમ શાયરને તેમની દીર્ઘ સેવા માટે વલી ગુજરાતી એવોર્ડ અને આઈ.એન.ટી.નો કલાપિ એવોર્ડ એનાયત થયો હતો. તેમના સમકાલીન શાયરોમાં આદરભર્યું સ્થાન શોભાવતા આ મુઠ્ઠી ઊંચેરા શાયર ૧૦૪ વર્ષની ઉંમરે પ ફેબ્રુઆરી, ર૦૦૯ના રોજ માદરે વતન રાંદેરમાં ખુદાની રહેમતમાં પહોંચી ગયા હતા. તેમની ગઝલોના ગુલદસ્તામાંથી કેટલાક શેરનું હવે આચમન કરીએ.

મારી ગઝલની મ્હેકથી “આસિમ” હું મસ્ત છું
માન્યું એ ફૂલછાબ નહીં, ગુલછડી તો છે

રાત-દિન એના વિચારોમાં હવે તલ્લીન છું
પ્રેમની લાગી કટારી, રોઉં છું, ગમગીન છું

કંકોતરીથી એટલું પુરવાર થાય છે
નિષ્ફળ બને છે પ્રેમ તો વ્હેવાર થાય છે
જ્યારે ઊઘાડી રાતે ન કંઈ પ્યાર થાય છે
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે

એ તારું રૂપ ને નિર્દોષતા ભૂલી નથી શકતો
સ્મરણમાં છે બધુંયે તોય હું સ્પર્શી નથી શકતો
મને ડર છે કે, એમાંથી કશું ઓછું ન થઈ જાયે
છબી છે હાથમાં તારી છતાં ચુમી નથી શકતો.

રાત-દિન શોધું છું આ ખુશ્બો ભરેલા શહેરમાં
એ પીરોજી રંગનો, ખોવાયેલો પાલવ મળે

“આસિમ” કરો ના આમ શિકાયત નસીબની
રૂઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું !

તમારા પ્રેમ-પત્રો જોઉં છું, પાછા મૂકી દઉં છું
હવે એ ભાગ્યના છે લેખ, વંચાઈ નથી શકતા

આ જિંદગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?

તમારા ચાંદની શા હાથ પર મ્હેંદીની આ લાલી ?
અમે જોતા રહ્યા પાણી ઉપર અંગાર સમજીને

પીને પ્રણય-મદિરા “આસિમ” રચી છે ગઝલો
કીધું છે કામ મેં બસ એક જ આ ઉમ્રભરમાં

મજા આવી હતે જો આટલી દીવાનગી હોતે
કે મારી દૃષ્ટિમાં આખું જગત તારી ગલી હોતે

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી
મજા જે હોય છે ચુપમાં તે ચર્ચામાં નથી હોતી

બધાના દર્દમાં પોતાનું દર્દ જે સમજે
મને તો જિંદગી તેની જ જિંદગી લાગી

ફરી ઘર બનાવું છું એના હૃદયમાં
ફરી યાદ આવી છે ખાનાખરાબી

જિંદગીનું રૂપ એવું સર્વવ્યાપક થઈ ગયું
જે મળે છે તે ગમે તે રંગ ભરતા જાય છે

ઝાકળ સમું જીવન હો ભલે વિશ્વબાગમાં
ફૂલો મહીં નિવાસ ઘડી બે ઘડી તો છે