Ahmedabad

ખાનગી શાળા સંચાલકોએ નિયત ફી કરતાં વધારાની ફી પરત કરવી પડશે

અમદાવાદ, તા.૧
ગુજરાત સરકારે ખાનગી શાળાઓ દ્વારા બેફામપણે ઉઘરાવાતી ફી મુદ્દે મહત્ત્વનો નિર્ણય લઈ ફી નિર્ધારણ કાયદો બનાવીને ફી વધારાની લગામ કસી હતી. પરંતુ આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ગયેલા શાળા સંચાલકોને લપડાક મળી છે. સુપ્રીમે આદેશ કર્યો છે કે ફી નિર્ધારણ કાયદા મુજબ ફી નિયમન કમિટીની ફરી રચના કરવામાં આવે અને વધારાની ફી પરત કરવાનો આદેશ કર્યો છે. તેમજ કમિટીમાં વાલી મંડળના સભ્યોનો પણ સમાવેશ કરવાનું કહ્યું છે. ત્યારે બેફામ ફી ઉઘરાવી મનમાની કરવા માગતા શાળાના સંચાલકોને સુપ્રીમના આદેશથી ઝાટકો લાગ્યો છે. રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નક્કી કરવા માટે બનેલ કાયદાની સામે શાળા સંચાલક મંડળ દ્વારા હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. આજે સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ફી નિર્ધારણ કમિટિમાં વાલી મંડળના પ્રતિનિધિનો સમાવેશ કરી તાત્કાલિત નવી કમિટીની જાહેરાત કરવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. ખાનગી શાળાઓ દ્વારા આડેધડ ઉઘરાવવામાં આવતી ફી પર લગામ લગાવવા માટે રાજ્ય સરકારે માર્ચ ૨૦૧૭માં નવો કાયદો ઘડીને વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. સરકારે નક્કી કરેલ ફી કરતા વધુ ફી વસૂલવા માટે ફી નિર્ધારણ કમિટિ રચવામાં આવી હતી. આ કમિટિ સમક્ષ જે શાળાઓ ફી વધારવા માંગતી હોય તેના સંચાલકો દ્વારા રજૂઆત કરવાની જોગવાઈ હતી. જેની સામે સંચાલક મંડળ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી કે શાળાની ફી નક્કી કરવાની સત્તા શાળા સંચાલકો પાસે જ રહે તેવી માંગણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સંચાલકોની માગણી ફગાવી દેવામાં આવી હતી. શાળા સંચાલક મંડળ હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે સંચાલક મંડળોની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ આજે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ફી નિર્ધારણ કમિટીમાં શાળા સંચાલકોની સાથે વાલી મંડળના સભ્યો પણ હોવા જોઈએ. ફી વધારા કે ઘટાડાની સીધી અસર વાલી મંડળને થાય તેમ હોવાથી કોર્ટે હાલની કમિટીને બર્ખાસ્ત કરી નવી કમિટી બનાવવા આદેશ કર્યો હતો. ફી નિર્ધારણ કમિટી કરતા વધુ ફી વસૂલનારી શાળાઓએ વાલીઓને વધારાની ફી પાછી આપવી પડશે. તેમજ હાઈકોર્ટના બે નિવૃત્ત જજના વડપણ હેઠળ નવી ફી નિર્ધારણ કમિટીની રચના કરવામાં આવે તેવો આદેશ સુપ્રીમે કર્યો છે. તેમાં સરકારે નક્કી કરેલી ફી શાળાઓએ લેવી પડશે. તેનાથી વધુ ફી લેનારી શાળાઓએ વધારાની ફી પરત વાલીઓને આપવી પડશે.

ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલા કાયદાની પોલ ખૂલી

નિવૃત્ત અને મળતીયા અધિકારીઓને ફી નિયમન કમિટીમાં ગોઠવીને ભાજપ સરકારે દેખાવ માટે બનાવેલ ફી નિયમન કાયદાની પોલ આજરોજ સુપ્રીમ કોર્ટે ખુલ્લી કરી દીધી છે ત્યારે ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓને વ્યાજબી ફીમાં શિક્ષણ મળે તે માટે સરકારી ગ્રાન્ટેડ શાળા-કોલેજોની સ્થાપના કરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે શિક્ષણનું પવિત્ર કાર્ય કરતી સ્કૂલોના આ કુમળા બાળકોને ભણાવવાની જવાબદારી સરકારની છે ત્યારે સ્કૂલોની પરવાનગી આપતા સમયે મોટા ભ્રષ્ટાચાર અને આવી સ્કૂલો સાથે લેતી-દેતી કરનાર ભાજપ સરકારે સરકારી સ્કૂલોને બંધ કરાવી, સ્કૂલોમાં પુરતા શિક્ષકોની ભરતી ન કરવી, સ્કૂલોમાં પાયાની સુવિધાઓ નહીં આપવી અને સરકારી ગ્રાન્ટેડ શિક્ષણ માળખાને તોડી પાડી, ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપી, લૂંટફાટ કરવાની પૂરતી તકો ભાજપ શાસકોએ પોતાના મળતીયાઓને સતત આપી રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થી-વાલીઓને વિશ્વાસ બેસે તે રીતે ફી નિયમન કાયદાનું સંપૂર્ણ પારદર્શક અમલીકરણ માટે વ્યવસ્થાતંત્ર ઊભુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. એમ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું.

ફી-નિયમન સંબંધે સુપ્રીમે સૂચવેલા સુધારા મુજબ સરકાર આગળ વધશે

રાજ્યની સ્વનિર્ભર શાળાઓના ફી નિયમન અંગે આજે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા સંદર્ભે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવી શાળાઓમાં ફી નિયમન કરવાના રાજ્ય સરકારના અધિકારને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે. ઉપરાંત કોર્ટના ચુકાદા મુજબ ફી નિયમન એકટ સી.બી.એસ.સી. સહિતના તમામ બોર્ડને લાગુ પડશે.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કેટલાક સુધારાઓ પણ સૂચવ્યા છે તેનો ઉલ્લેખ કરતા મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સૂચવેલા સુધારા મુજબ ફી નિર્ધારણ અંગેની ઝોનલ કમિટીના વડા તરીકે ચારેય ઝોનલ કમિટીમાં નિવૃત્ત ડિસ્ટ્રીકટ જજની જગ્યાએ હાઈકોર્ટના નિવૃત્ત જજને નિયુક્ત કરવાના રહેશે. જ્યારે બાકીના તમામ સભ્યો યથાવત રહેશે. તે ઉપરાંત રાજ્ય કક્ષાની રીવીઝન કમિટીમાં એકના બદલે બે હાઈકોર્ટના નિવૃત્ત જજની નિયુક્તિ કરવાની રહેશે. આ સાથે એક અઠવાડિયામાં ફી નિર્ધારણ અંગેની નવી કમિટી બનાવવાની રહેશે. આ કમિટીની રચનાના બે અઠવાડિયામાં હાલમાં રાજ્ય સરકારે લઘુત્તમ રૂા.૧પ,૦૦૦/- રૂા.રપ,૦૦૦/- અને રૂા.ર૭,૦૦૦/-ની ફી મર્યાદા નક્કી કરી છે, તેમાં જો કોઈ સુધારો-વધારો સૂચવવો હોય તો શાળા સંચાલકો કે વાલીઓએ બે અઠવાડિયાની અંદર આ અંગેની રજૂઆત રાજ્ય સરકારને કરવાની રહેશે. આ રજૂઆત મળ્યા બાદ તે પછીના બે અઠવાડિયામાં રાજ્ય સરકારે નવુંં ફીકસેશન જાહેર કરવાનું રહેશે અને ત્યારબાદ શાળાઓએ બે અઠવાડિયામાં નવી દરખાસ્ત આપવાની રહેશે.
આ તબક્કે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી અને સિનીયર એડવોકેટ કપિલ સિબ્બલનો ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતુંં કે, કોંગ્રેસ આ સમગ્ર પ્રક્રિયામાં ખુલ્લી પડી ગઈ છે. શિક્ષણના વ્યાપારીકરણનો એક તરફ કોંગ્રેસ વિરોધ કરે છે જ્યારે બીજી તરફ કપિલ સિબ્બલ ફી નિર્ધારણ અંગેના ગુજરાત સરકારના બિલનો વિરોધ કરી શિક્ષણના વ્યાપારીકરણને સમર્થન આપી તેઓને મદદ કરી રહ્યા છે. આ સાથે શિક્ષણ મંત્રીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી રાજ્ય સરકાર આ દિશામાં ઝડપભેર આગળ વધશે તેમ પણ જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.