Ahmedabad

‘ખુશ્બુ ગુજરાત કી’ વાતો વચ્ચે પ્રવાસન નિગમનો નફો ઘટ્યો

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૭
‘ખુશ્બુ ગુજરાત કી’ જાહેરાત બતાવીને ગુજરાતના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારે પ્રવાસ કર્યો હતો. પરંતુ આ જાહેરાતો ઉપર પાણી ફરી વળ્યું છે. રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડનો નફો ગત વર્ષની સરખામણીમાં રૂા.૧ર૧૮.૮૧ લાખ જેટલો ઘટી ગયો છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડના વર્ષ : ર૦૧૬-૧૭નો વાર્ષિક અહેવાલ ગુજરાત વિધાનસભામાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે અહેવાલમાં જણાવ્યા મુજબ પ્રવાસન નિગમને ગત વર્ષઃ ર૦૧પ-૧૬માં ચોખ્ખો નફો રૂા.૩૬૭૯.૬૧ લાખ થયો હતો. જ્યારે વર્ષ : ર૦૧૬-૧૭માં આ નફાનો આંકડો ઘટીને રૂા.ર૪૬૦.૭૧ લાખ થઈ ગયો છે. એટલે કે નિગમનો નફો ગત વર્ષ કરતા રૂા.૧ર૧૮.૯ લાખ ઘટી ગયો છે. જો કે વર્ષ : ર૦૧પ-૧૬માં ૩૮૩.૧૧ લાખ પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. તેની સરખામણીમાં વર્ષ :ર૦૧૬-૧૭માં ૧૬.૯૪ ટકા વૃદ્ધિ સાથે ૪૪૮ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. બીજી બાજુ દેશ અને વિદેશથી આવતા પ્રવાસીઓને ગુજરાતની રહેણી-કરણી અને લોક સંસ્કૃતિને જોવા અને જાણવાનો વધુ નજીકથી લાભ મળી શકે તે માટે પ્રવાસન વિભાગ દ્વારા હોમ સ્ટે પોલિસી અગાઉ અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળી રહેશે, તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હોમ-સ્ટે પોલિસી અંતર્ગત નોંધણીની કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે અત્યાર સુધીમાં રર૦ અરજીઓ આપી હતી. જેમાં પ૩ અરજીઓ મંજૂર થઈ છે.