(એજન્સી) તા.૫
અત્યારે આપણને ૭-૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ મુંબઇની ગોવાલિયા ટેંક મેદાન ખાતે મહાત્મા ગાંધીએ કરેંગે યા મરેંગેની હાકલ કરીને બ્રિટીશને ભારત છોડોનો લલકાર કર્યો હતો તેની યાદ તાજી થાય છે. અત્યારે કોઇ મહાત્મા નથી પરંતુ દિલ્હીની સરહદ પર આવેલ સિંઘુ એ ગોવાલિયા ટેંક મેદાન છે અને ત્યાં ખેડૂતો અહિંસક વિરોધ કરી રહ્યાં છે. અહીં પણ કરેંગે યા મરેગેની હાકલ કરવામાં આવી છે અને ખેડૂતોએ સરકારને નવી કૃષિ કાયદાઓ રદ કરવા લલકાર કર્યો છે. વાટાઘાટોનો બીજો દૌર પણ નિષ્ફળ ગયો છે કારણ કે સરકાર પૂર્વ નિર્ધારીત વલણ સાથે કામ કરી રહી છે. આંદોલનકારી ખેડૂતોની ત્રણ મુખ્યત્વે માગણી છે જેમાં એપીએમસી સાથે ખાનગી માર્કેટને સ્પર્ધામાં ઉતરવા નહીં દેવા, એમએસપીની કાનૂની બાહેંધરી આપવી અને કૃષિ પેદાશોની ખરીદી અને વેપારમાં કોર્પોરેટના પ્રવેશને રોકવો વગેરેનો સમાવેશ થાય છે. ૩૦, ડિસે. સમાપ્ત થયેલ વાટાઘાટો ૪, જાન્યુ.ના રોજ પુનઃ યોજાઇ હતી જેમાં સરકારે બે માગણીઓ સાથે સંમત હોવાનો દાવો કર્યો હતો. આ માગણીઓમાં વીજ સબસિડી પ્રભાવિત નહીં થાય અને પરાળીના દહન માટે ખેડૂતોને શિક્ષા કરવામાં નહીં આવે. પરંતુ આ બંને માગણીઓ ખેડૂતોની મૂળભૂત માગણીઓથી ઘણી દૂર છે. આથી આંદોલનકારી ખેડૂતો અને અક્કડ સરકાર વચ્ચે સમાધાન થતું નથી. તમામ અર્થશાસ્ત્રીઓ એક વાત પર સંમત છે કે કૃષિ પેદાશોના માર્કેટીંગમાં સુધારાની જરુર છે. એપીએમસી એક્ટમાં ખામી એ દ્રષ્ટિએ છે કે આ કાયદા રાષ્ટ્રવ્યાપી સ્તરે જૂજ ખેડૂતો માટે જ લાભકારી છે. આ જ દલીલ એમએસપીને લાગુ પડે છે. એમએસપી પણ ખામીયુક્ત પદ્ધતિ છે કારણ કે બહુ ઓછા ખેડૂતોને એમએસપી પર વેચાણ કરવા દેવામાં આવે છે અને તે પણ માત્ર ડાંગર, સોયબીન, શેરડી અને કપાસના કિસ્સામાં. વડા પ્રધાન બંધારણની દલીલ કરે છે. પરંતુ તે પૂરતું નથી. તેમણે બંધારણની એકેએક વાત વાંચવાની જરુર છે. જુદી જુદી એન્ટ્રી વાંચતા જણાશે કે વર્તમાન માનવ સર્જીત કટોકટીનો ઉકેલ તેમાં જ રહ્યો છે. આ વિષય રાજ્યોની યાદીમાં મૂકવો જોઇએ પ્રત્યેક રાજ્ય વિધાનસભાને નક્કી કરવા દો કે તેમના લોકો શું ઇચ્છે છે અને કેવો કાયદો હોવો જોઇએ. મોદી સરકાર બહુમતી પ્રેરીત સર્વોપરીત થોપવા અક્કડ છે. આ એક પ્રકારનો ટ્રમ્પવાદ છે અને પ્રત્યેક ટ્રમ્પનું વહેલા મોડું પતન થતું હોય છે. અલબત મોદી સરકારને ભારત સરકાર પર શાસન કરવાનો અધિકાર પ્રાપ્ત થયેલ છે પરંતુ તેમણે નમ્રતા સાથે શાસન કરવું જોઇએ.