(એજન્સી) તા.૩૦
આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું કે પાછલા ૨૪ કલાકમાં ૬૩ શહીદોના મૃતદેહને ગાઝાની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે, આ સિવાય આઠ લોકો ઘાયલ પણ થયા છે. મંત્રાલયે જણાવ્યું કે ૫૯ મૃતદેહો તે શહીદોના છે જે ધ્વસ્ત ઈમારતોના કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. પેલેસ્ટીની ઇન્ફોર્મેશન સેન્ટરે અહેવાલ આપ્યો છે કે અલગ-અલગ ઘટનાઓમાં બે ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે શહીદ થયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ ઇઝરાયેલના નરસંહાર યુદ્ધની શરૂઆતથી ગાઝામાં શહીદોની સંખ્યા ૪૭,૪૧૭ પર પહોંચી ગઈ છે, જ્યારે ઘાયલોની સંખ્યા ૧,૧૧,૫૭૧ પર પહોંચી ગઈ છે. નાશ પામેલા ઘરો અને અન્ય નાગરિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કાટમાળ નીચે હજુ પણ અજ્ઞાત સંખ્યામાં જાનહાનિ છે.