International

ગાઝાના ઉત્તર વિસ્તાર પર ઇઝરાયેલી દળોના ભયાનક હવાઈહુમલા અને ભૂમિ આક્રમણમાં ૫૫થી વધુ નિર્દોષ નાગરિકોનાં મોત

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
ઉત્તર ગાઝા વિસ્તારમાં ઇઝરાયેલ દ્વારા ભયાનક આક્રમણ હવાઈ અને જમીની બંને પ્રકારે થઈ રહ્યું હોવાથી ચારે તરફ વિનાશલીલા સર્જાય છે અને સમગ્ર વિસ્તાર પર છેલ્લા ૨૪ કલાકમાં થયેલા હવાઈ હુમલા અને ઇઝરાયેલી દળોના આક્રમણથી ૫૫થી વધુ નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા તેમ પેલેસ્ટીની આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જબલીયા રેફ્યુજી કેમ્પ પાસે પલ ફલૂજા વિસ્તારમાંથી બાર મૃતદેહો મળી આવ્યા હતા. હવાઈ હુમલામાં ભયાનક બોમ્બ વરસાદને કારણે મોત થયા હોવાનું જાહેર થયું હતું.
પેલેસ્ટીન સિવિલ ડિફેન્સ વિભાગના પ્રવક્તા મહેમુદ બસલે જણાયું હતું કે મૃતકો પૈકીના સાત એક જ અલ સૈયદ પરિવારના સભ્યો હતા. તેમના મકાનનો પણ નાશ થયો હતો. એમના તૂટેલા ઘરમાં જ એ બધાની દફનવિધિ એક સાથે કરવામાં આવી હતી. એ જ રીતે બાજુના એક વિસ્તારમાંથી પણ પાંચ મૃતદેહો સળગેલી હાલતમાં મળી આવ્યા હતા તેમ મહેમુદે જણાવ્યું હતું. બીજા એક અલગ બનાવમાં ઇઝરાયેલના લશ્કરી દળોએ બરકત અબુરશીદ વિસ્તારના કેમ્પ ઉપર હુમલો કર્યો હતો અને ત્રણ નાગરિકોની હત્યા કરી નાખી હતી અને અન્ય અનેક ઇજા પહોંચાડી હતી તેવું હત્યાકાંડ અને નજરે જોનારા અલ જઝીરા ન્યુઝ ચેનલના પત્રકાર અનસ અલ શરીફે જણાવ્યું હતું. બિલ્ડીંગો અને મકાનોને તોડી પાડવા માટે ઇઝરાયેલનું લશ્કર વિસ્ફોટકોથી ભરેલા મોટા મોટા બેરલ જમીનમાં દાટીને બ્લાસ્ટ કરી રહ્યું હોવાનું એ વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું. ઉત્તર ગાઝા વિસ્તારને સંપૂર્ણપણે નાગરિકોથી ખાલી કરી દેવાની ઇઝરાયેલની યોજના છે. આથી આ વિસ્તાર પર નાગરિકોને ડરાવવા અને અમને હિજરત કરવા માટે મજબૂર કરવા માટે ભયાનક હુમલા ચાલુ રાખવામાં આવ્યા છે એવું યુનોના પ્રવક્તાએ જણાવ્યું હતું. તેના પરિણામે સમગ્ર વિસ્તારમાં ભયાનક ભયનું વાતાવરણ છે અનેક પરિવારો એમના વહાલાથી વિખુટા પડી ગયા છે અને લોકો હતાશ અને નિરાશ થઈ ગયા છે. સલામત જવા દેવા જોઈએ એવી માંગણી થઈ રહી છે.