(એજન્સી) તા.૧૩
ગાઝા અને ઈઝરાયલ વચ્ચે લાંબા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલ દ્વારા બેફામ રીતે ગાઝામાં હુમલા કરવામાં આવી રહ્યા છે જેમાં અનેક બાળકો અને મહિલાઓના પણ જીવ લેવાઈ રહ્યા છે. તાજેતરની માહિતી અનુસાર સિવિલ ડિફેન્સ સેવા સાથે સંકળાયેલા અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલાઓમાં લગભગ ૭૦ બાળકો માર્યા ગયા છે. એજન્સીએ પીડિતોની ઉંમર અંગે વિગતો આપી નથી, ફક્ત એટલું જ કહ્યું છે કે તેઓએ પેલેસ્ટિનિયન એન્ક્લેવના અનેક વિસ્તારોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા હુમલાઓમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાઝામાં પેલેસ્ટીની બાળકો ઇઝરાયલના નરસંહારનો ભોગ બની રહ્યા છે અને ગાઝા યુદ્ધથી ભારે નુકસાન સહન કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે તેના ૧૬મા મહિનામાં પ્રવેશી ગયું છે. યુનિસેફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરિન રસેલે ૮ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ‘નવું વર્ષ હુમલાઓ, વંચિતતા અને ઠંડીના વધતા સંપર્કથી વધુ મૃત્યુ અને વેદના લાવ્યું છે.’ ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં અવિરત ઇઝરાયલી હુમલાઓમાં ૪૬,૫૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો છે, અને ૧૦૯,૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. નવેમ્બર ૨૦૨૪માં, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે ગાઝામાં યુદ્ધ ગુનાઓ અને માનવતા વિરૂદ્ધ ગુનાઓ માટે ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ માટે ધરપકડ વોરંટ જારી કર્યા હતા. ઇઝરાયલ એન્ક્લેવ પરના યુદ્ધ માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નરસંહારના કેસનો પણ સામનો કરી રહ્યું છે.