(એજન્સી) તા.૨૪
ગાઝામાં યુદ્ધની વિરૂદ્ધ બોલનારા અને અવાજ ઊઠાવનારા પેલેસ્ટીની નાગરિકો સામે ઇઝરાયેલની વર્ષોથી ચાલતી ક્રૂરતાએ ઘણા લોકોને જેલમાં ધકેલી દેવા અને સમાજમાં હાંસિયામાં ધકેલાઈ જવાના ડરથી ખુદને બચાવી લેવા માટે વિચારતાં કરી દીધા છે. જ્યારે કેટલાક હજુ પણ અસંમતિ વ્યક્ત કરવાના રસ્તાઓ શોધી રહ્યા છે એ પણ કાળજીપૂર્વક. ઓક્ટોબર ૨૦૨૩માં યુદ્ધના વિરોધમાં ગાઝા સાથે એકજૂટતા બતાવતા સૂત્રોચ્ચાર કરવા બદલ આતંકવાદને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો. ત્યારે અહેમદ ખલીફાના જીવનમાં ભારે ઉતાર ચઢાવ આવ્યો. મધ્ય ઇઝરાયલના વકીલ અને સિટી કાઉન્સિલર કહે છે કે તેમણે ત્રણ મુશ્કેલ મહિના જેલમાં અને પછી છ મહિના એક એપાર્ટમેન્ટમાં અટકાયતમાં વિતાવ્યા. તેમને હજુ ખબર નથી કે તેમને તેમના અપરાધ અથવા નિર્દોષતા અંગે અંતિમ ચુકાદો ક્યારે મળશે. ત્યાં સુધી, તેમને સાંજથી સવાર સુધી ઘરની બહાર નીકળવાની મનાઈ છે. ખલીફા ઇઝરાયેલના ૪૦૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોમાંથી એક છે જેમની પોલીસ દ્વારા ગાઝામાં યુદ્ધની શરૂઆતથી ‘આતંકવાદને ઉશ્કેરવા’ અથવા ‘હિંસા કરવા’ માટે ધરપકડ કે તપાસ હેઠળ નજરકેદ કરી લેવામાં આવ્યા છે. લઘુમતીઓ માટેના કાયદાકીય અધિકાર જૂથ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તે અમને નાગરિક કરતાં દુશ્મન વધુ માને છે. ખલીફાએ ઇઝરાયેલના બીજા સૌથી મોટા પેલેસ્ટીની શહેર, ઉમ્મ અલ-ફહમના તેમના વતન ખાતેના કાફેમાં એક ઈન્ટરવ્યૂમાં આ માહિતી આપી હતી. ઇઝરાયેલમાં આશરે ૨૦ લાખ પેલેસ્ટીની નાગરિકો છે જેમના પરિવારો ૧૯૪૮માં બનાવવામાં આવેલી ઇઝરાયેલની સરહદોની અંદર રહ્યા હતા. તેમની વચ્ચે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ છે અને તેઓ ગાઝા અને વેસ્ટ બેંક સાથે કૌટુંબિક અને સાંસ્કૃતિક સંબંધો જાળવી રાખે છે, જે ઇઝરાયેલે ૧૯૬૭માં કબજે કર્યું હતું.