ખંભાળીયા,તા.૨
દ્વારકા જિલ્લામાં અછતગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં સરકાર દ્વારા થઈ રહેલા કામો અત્યંત ધીમી ગોકળગાયની ગતિએ ચાલતા હોય ગ્રામજનો, ખેડૂતો, માલધારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા સરકારની આવી નિંભરતા અને નિષ્ક્રિયતા સામે આજે દ્વારકામાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ‘ગાય’ને સાથે રાખીને વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારી કચેરીએ જઈ આવેદનપત્ર સુપરત કર્યું હતું.
અછતગ્રસ્ત જાહકેર થયાના પાંચ પાંચ મહિનાઓનો સમય વીતી જવા છતાં પણ સરકારી તંત્ર હજુ ગોકળગાયની ગતિથી જ કામ કરતું હોય, દ્વારકા પ્રાંત કચેરીએ ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલીયા ખેડૂતો તથા માલધારીઓ સાથે ગાયોને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતાં. ખાલી ભાષણો નહીં, અમને ઘાંસ અને પાણી આપો, મને મારો હક્ક આપો, ઘાસચારો આપો, અછતગ્રસ્ત છીએ ઘાંસચારો-પાણી આપોના બેનરો ગળામાં લટકાવીને ગાયોને લઈ જઈ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પાલભાઈ આંબલીયાએ જણાવેલ કે સરકારી તંત્રની આળસ અને ઉદાસીનતા તથા નિષ્ક્રિયતા સામે ગાયો મોત પામી રહી છે ત્યારે સવાલ એ છે કે ઘાસચારાને અભાવે ગાયો મૃત્યુ પામે છે. તો ક્યાં હિન્દુવાદી સરકાર ?
નિયમ મુજબ પાંચ કિમીની ત્રિજયામાં ઘાસડેપો શરૂ કરવા જોઈએ, પણ દ્વારકા અને કલ્યાણપુર વચ્ચે દ્વારકામાં એક ડેપો સમ ખાવા પૂરતો શરૂ કરવામાં આવ્યો છે. શું પાંચ કિમીમાં બંને તાલુકા આવી જાય ?? ખેડૂતો અને માલધારીઓ માટે ઘાસના કાર્ડ તથા ક્યાંથી ક્યારે ઘાસ મળશે તેની જાણ પણ કરવામાં આવતી નથી.
અછતગ્રસ્ત દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં રખડતા ભટકતા ઢોર માટે પાંજરાપોળ શરૂ કરવા જોઈએ, પણ પાંચ મહિનાથી અછતગ્રસ્ત વિસ્તાર છે તો કેટલા પાંજરાપોળ ખૂલ્યા ? એકેય નહીં !!
ઢોરવાડા અને પશુ કેમ્પો જે રજીસ્ટર્ડ હોય તેમને અછતગ્રસ્ત વિસ્તારમાં પશુદીઠ રૂા.૩૫ની સરકારી સહાય આપવામાં આવે છે પણ ત્રણ માસથી આ સહાય આપવામાં આવી નથી.