(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧પ
ગીરગઢડા તાલુકાના ધોકડવાથી બે કિ.મી. દૂર તુલસીશ્યામ રોડ પર સવારના સમયે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા બંને બાઇક ચાલક યુવાનોના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવાને ગંભીર ઇજા પહોંચતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચિખલકુબા ગામે રહેતા કલ્પેશભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ. ૨૦) તેમના કાકાના દીકરા કનકસિંહ ભીખુભાઇ મકવાણાના લગ્નનો બપોરે જમણવાર હોય તેથી સવારના સમયે જમણવાર માટે માલસામાન લેવા ચિખલકુબાથી બાઇક નં.જી.જે.-૧૪-એે.ડી.- ૬૭૦૦ પર લગ્નમાં કોડીનારના અરેઠિયા ગામેથી આવેલ મયુરસિંહ દડુભા ગોહીલ (ઉ.વ.૨૦) બંને યુવાનો બાઇક પર ધોકડવા તરફ જતા હતા. ત્યારે તુલસીશ્યામ રોડ પર સામેથી ચંન્દ્રશભાઇ ભવાનભાઇ બારૈયા (ઉ.વ.૨૭) પોતાના જી.જે.-૩૨-જે.-૭૨૦૮ બાઇક પર જશાધાર તરફ મજૂરી કામ કરવા જતો હતો એ વખતે આ બંને બાઇકો અચાનક ધડાકાભેર સામસામે અથડાતા કલ્પેશભાઇ તથા ચંન્દ્રેશભાઇ દૂર ફંગોળાઇ ગયા હતા અને માથાના તેમજ શરીરના અન્ય ભાગ પર ગંભીર ઇજા પહોંચતા બંને નાના ઘટના સ્થળે મોત નિપજેલ હતા. જ્યારે મયુરસિંહને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ જ્યાં તેમની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવેલ છે અને બંને મૃતદેહને ગીરગઢડા હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા. અકસ્માતની જાણ મૃતકના પરીવારજને થતા લગ્નમાં શરણાઇના શૂરની જગ્યાએ માતમ છવાયો હતો. આ ગમખ્વાર અકસ્માતની ગીરગઢડા પોલીસમાં મૃતક ચંદ્રેશના કાકાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.