Ahmedabad

ગુજરાતના નર્મદા જિલ્લામાં બનશે ટાઈગર સફારી પાર્ક : કેન્દ્રની લીલી ઝંડી

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૯
રાજ્યમાં ગીરના સિંહ અને તેનું લાયન સફારી પાર્ક બહુ જ ખ્યાતિ પામેલ છે અને વર્ષે દહાડે હજારો લોકો તેને જોવા આવે છે ત્યારે હવે રાજ્યમાં આવો જ એક વધુ સફારી પાર્ક આકાર લેશે તેવી વિગતો મળી રહી છે. પંચમહાલના નર્મદા જિલ્લામાં ટાઈગર વાઘ માટેનો ટાઈગર સફારી પાર્ક બનાવવા ગુજરાત સરકાર આગળ વધી રહી છે. સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેતાં હવે ટાઈગર સફારી પાર્ક નિર્માણ માટે આગળ વધાશે. ભારત સરકારે ગુજરાતના આ પ્રોજેક્ટને મંજૂરી આપી દેતાં તેના માટે પ્રથમ તબક્કામાં રૂા.ર૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત દેશના અન્ય ટાઈગર માટેના કાન્હા નેશનલ પાર્કમાંથી એક નર, બે માદા અને ચાર વાઘ બચ્ચાને ગુજરાતના પાર્કમાં લાવવામાં આવશે. ૭૮ હેક્ટરમાં નર્મદા જિલ્લાના તીલકવાડા કાકડિયા વિસ્તારમાં આ પાર્ક અસ્તિત્વમાં આવશે. આ ટાઈગર પાર્કને ફરતે છ મીટર ઊંચી તારની ફેન્સિંગ પણ કરવામાં આવશે. તેવી વિગતો પ્રાપ્ત થવા પામી છે. પંચમહાલનો નર્મદા જિલ્લો ૧૧૭૪ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે. જેમાંથી ૬૦૭ કિલોમીટર જંગલ વિસ્તાર છે. આ વિસ્તાર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી જોડાયાલો હોવાની સાથે વાઘના વસવાટ માટે યોગ્ય જંગલ અને હવામાન પણ છે. ર૦૧૬માં ગુજરાત સરકારે કેન્દ્રીય વન વિભાગને ટાઈગર સફારી પાર્ક શરૂ કરવાની મંજૂરી માગી હતી. જેના કારણે ભારત સરકારના અધિકારીઓએ નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં તીલકવાડા કાકડિયા વિસ્તાર વાઘ માટે સાનુકૂળ હોવાનો તેમને મત હતો. હાલમાં વાઘ જોવા માગતા લોકોને રણથંભોર અને કાન્હાના જંગલોમાં જવું પડે છે. પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓને વાઘ પણ જોવા મળશે. આ આખો પ્રોજેક્ટ ર૦રર સુધી પૂર્ણ થશે. આ ટાઈગર સફારી પાર્કમાં ૩૪ હેક્ટર વિસ્તાર માત્ર વાઘના નિવાસ સ્થાન માટે આરક્ષિત રાખવામાં આવશે.
હાલમાં ગીર જેમ લાયન સફારી પાર્ક છે તે જ મોડ્યુલ પ્રમાણે નર્મદામાં ટાઈગર સફારી પાર્ક અસ્તિત્વમાં આવશે. જો કે નર્મદા જિલ્લાના આ ટાઈગર પ્રોજેક્ટમાં સ્થાનિક લોકોને પણ સામેલ કરવામાં આવશે જેના કારણે તેમને પણ રોજગારી મળે તેવી વિગતો પ્રાપ્ત થવા પામી છે.