Ahmedabad

ગુજરાતમાં સી-પ્લેન સર્વિસ માટેના મહત્ત્વના બે રૂટની કરાઈ જાહેરાત

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૪
ગુજરાતમાં હવે ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. આગામી ઓક્ટોબર મહીનામાં રાજ્યમાં સામાન્ય માણસ પણ સી પ્લેનમાં મુસાફરી કરી શકશે. સી પ્લેનને માટેના દેશભરમાં ૧૬ રૂટ પૈકી અમદાવાદમાં સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્લેન ઉડાવવાની યોજના મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય શિપિંગ મંત્રીએ બેઠક દરમિયાન આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “સી પ્લેનનો ટુરિઝમ માટે દુનિયામાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેવી જ રીતે ભારતમાં પણ સી પ્લેનનો ઉપયોગ વ્યાપક રીતે થાય તે હેતુસર પીએમ મોદીનાં નિર્દેશ મુજબ દેશમાં ઉડાન યોજના અંતર્ગત ૧૬ રૂટ પર સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. જેમાંથી ગુજરાતમાં ૨ રૂટ પર સી પ્લેન યોજના શરૂ થશે.” તેમણે વધુમાં જણાવ્યા મુજબ સાબરમતી પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા શેત્રુંજય ડેમ સુધી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. ઓક્ટોબર સુધી ગુજરાતમાં પ્રવાસીઓ માટે સાબરમતીથી સી પ્લેન યોજના શરૂ કરવામાં આવશે. સાબરમતી અને સરદાર સરોવર-નર્મદા રોડ પર સી-પ્લેન યોજના ચાલુ કરવાથી પર્યટકો વધારવામાં પણ મદદ મળશે. અત્રે નોંધનીય છે કે, સી પ્લેન કે જે પાણીની સપાટી પર ઉતરાણ કરવામાં સક્ષમ હોય છે. કેટલાંક સમુદ્રી વિમાનો પણ આ રીતે ઉડાન ભરી શકે છે અને જમીન અને પાણી એમ બંનેની સપાટી પર ઉતરાણ કરી શકે છે. સાબરમતીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૦૦ કિમીની યોજના તો સાબરમતીથી પાલીતાણા સુધીની ૨૫૦ કિમીની યોજના રહેશે. હાઈડ્રોગ્રાફિકલ સર્વેનું કામ પૂર્ણ થયું છે. આવનારા ૧૦ થી ૧૫ દિવસમાં જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરવામાં આવશે. એવિએશન મંત્રાલય સાથે મળીને ત્રણેય જગ્યાએ હંગામી ટર્મિનલ પણ ઊભું કરવામાં આવશે.