Ahmedabad

ગુજરાત ભાજપમાં અસંતોષને લઈ મંત્રીમંડળની શપથવિધિ હવે આજે યોજાશે

એકાએક ભૂપેન્દ્ર પટેલ જેવા પ્રથમવાર ધારાસભ્ય બનેલાને મુખ્યમંત્રી બનાવી દેવાયા બાદ જૂના મંત્રીઓને પડતા મૂકવાની વાતે બબાલ !

ગાંધીનગર રાજભવન ખાતે બુધવારની શપથવિધિના પોસ્ટર્સ લાગી જવા સહિતની તૈયારીઓ વચ્ચે એકાએક કાર્યક્રમ રદ કરી ગુરૂવારની જાહેરાત કરાઈ

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧પ
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદથી ગુજરાતનું રાજકારણ બરોબરનું ગરમાયું છે. તેમાં પ્રથમવાર ચૂંટણી લડી ધારાસભ્ય બનનાર ભૂપેન્દ્ર પટેલને એકાએક મુખ્યમંત્રી બનાવી દેવાના નિર્ણય બાદ હવે નવા મંત્રી મંડળની રચનામાં જૂના એક ડઝનથી જેટલા મંત્રીઓ પડતા મૂકવાની વાતને લઈ ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે અને તેને લઈને જ નવા મંત્રીમંડળની શપથવિધિ જે આજે બુધવારે યોજાવાની હતી અને તે અંગેની તૈયારીઓ પણ જોરશોરથી થઈ રહી હતી. તેને રદ કરી દેવામાં આવેલ છે. હવે આવતીકાલે બપોરે દોઢ કલાકે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
નવા સીએમની વરણી બાદ હવે મંત્રીમંડળની રચનાનું કોકડું ગૂંચવાયું હોય તેવું લાગી રહ્યું છે. આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા, પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરૂ થયું હતું. શપથગ્રહણ સમારંભ છેલ્લી ઘડીએ કેમ રદ થયો તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી થઈ શકી. જો કે એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રૂપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરૂ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે બપોરે ૧.૩૦ કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.
ગઈકાલે એવા સમાચાર આવ્યા હતા કે ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ગુરૂવારે શપથ લેવાનું છે. જો કે આજે સવારે શપથવિધિ આજે જ યોજાશે તેવા સમાચાર આવવા લાગ્યા હતા. જેમાં કાલ સુધીમાં મંત્રીઓેને તેમના ખાતાંની ફાળવણી પણ થઈ જશે તેવા દાવા કરવામાં આવ્યા હતા. નવાઈની વાત એ છે કે, શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરૂ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઊભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. એવી પણ ચર્ચા છે કે, સંભવિત કેબિનેટ તેમજ જુનિયર મંત્રીઓના નામની યાદી દિલ્હી મોકલવામાં આવી છે, પરંતુ તેના પર હજુ જવાબ ના આવ્યો હોવાના કારણે પણ આજે શપથવિધિ યોજાઈ શકી નથી. સૂત્રોનું માનીએ તો, તમામ પૂર્વ કેબિનેટ મંત્રીઓેને પડતા મૂકાવાના છે તેવા સમાચારો વહેતા થતાં પૂર્વ સીએમ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળીને કેટલાક નેતાઓએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, મંત્રી બનવાની દાવેદારી સાથે પણ કેટલાક ધારાસભ્યોએ ટોચના નેતાઓની મુલાકાત કરતાં મામલો ગૂંચવાયો હતો. વિજય રૂપાણીની અચાનક એક્ઝિટ સાથે ગુજરાતના રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે. એક તરફ, પક્ષમાં આ મામલે અસંતોષ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રૂપાણીના મંત્રીઓને પણ પડતા મૂકાવાના હોવાની અટકળો વચ્ચે અસંતોષ ઓર વધ્યો છે. વિધાનસભા ચૂંટણીને માંડ સવા વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે પક્ષમાં ઉભી થયેલી નારાજગી ચૂંટણી સમયે ના નડે તે માટે ભાજપ કોઈ ચાન્સ લેવા નથી માગતો. પાટીદારને સીએમ બનાવવા ઉપરાંત નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ અને પ્રદેશોનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે જળવાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે તેની સામે પક્ષના જ કેટલાક નેતાઓએ મોટો વાંધો લીધો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadReligion

  જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

  મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
  Read more
  AhmedabadSports

  રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

  અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
  Read more
  AhmedabadSports

  અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.