(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યમાં એક તરફ વિકાસના દાવા કરાય છે. સૌનો સાથની વાતો કરાય છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દિવ્યાંગો માટે સુગમ્ય ભારત અભિયાન ચલાવે છે, તેમ છતાં ગુજરાતમાં દિવ્યાંગો સાથે અન્યાય કરાતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કેમ કે, ગુજરાત સરકારને દિવ્યાંગોને નોકરી આપવામાં જ રસ જ નથી. ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે કે, તેને એક પણ દિવ્યાંગને સરકારી નોકરી આપી નથી, જ્યારે ખાનગી ક્ષેત્રમાં પણ ગત વર્ષે માત્ર એક જ વ્યક્તિને નોકરી આપી છે. આમ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ૪૬૦ જેટલા દિવ્યાંગો બેરોજગાર હોવાનું સરકારી આંકડા કહે છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં દિવ્યાંગ બેરોજગારો અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેમાં રાજ્ય સરકારે કબૂલ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૧૩૦ દિવ્યાંગ બેરોજગાર છે, જ્યારે રાજકોટમાં ૪૪, સાબરકાંઠામાં ર૬, પાટણમાં ર૪, જામનગરમાં રર, મહેસાણામાં રર સહિત રર જિલ્લામાં કુલ ૪૬૦ દિવ્યાંગો બેરોજગાર નોંધાયા છે. જેમાં એક પણ દિવ્યાંગને સરકારી નોકરી આપવામાં આવી નથી. અત્રે નોંધનીય છે કે, દિવ્યાંગોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે. તેવી સુફિયાણી વાતો કરતી ગુજરાત સરકારના શાસનમાં એક પણ દિવ્યાંગને સરકારી નોકરી જ મળે નહીં તે સરકારની નીતિ અને રીતિ દિવ્યાંગો પ્રત્યે કેવી છે ? તેની પોલ ખોલી નાખી છે.
ક્યાં, કેટલા દિવ્યાંગો બેરોજગાર ?
જિલ્લો દિવ્યાંગ બેરોજગારની
સંખ્યા
અમદાવાદ ૧૩૦
અમરેલી ૧૦
ભાવનગર ૨૧
પાટણ ૨૪
મહેસાણા ૨૨
સાબરકાંઠા ૨૬
અરવલ્લી ૧૧
રાજકોટ ૪૪
પોરબંદર ૧૭
જૂનાગઢ ૨૦
ભરૂચ ૧૦
જિલ્લો દિવ્યાંગ બેરોજગારની
સંખ્યા
ગાંધીનગર ૧૪
દાહોદ ૭
જામનગર ૨૨
ગીર-સોમનાથ ૧૬
દ્વારકા ૧
મોરબી ૧૨
આણંદ ૧૮
ખેડા ૧૭
સુરેન્દ્રનગર ૧૧
છોટાઉદેપુર ૫
બોટાદ ૨