AhmedabadGujarat

ગુજરાત સર્વ ધર્મ કબ્રસ્તાન હિતરક્ષક સમિતિ તથા સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિ સાધુ-સંતો, મહંતો સાથે સંવાદ કરશે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૯
સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિને કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલ જમીનની વિરૂદ્ધમાં કોમવાદી પરિબળો દ્વારા અપાયેલા આવેદનપત્ર સંદર્ભે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા સમિતિના અગ્રણીઓએ જણાવ્યું છે કે, કેટલાક કટ્ટરવાદી પરિબળો અને સંસ્થાઓ દ્વારા સાધુ-સંતો-મહંતો અને આમ જનતાને સાચી પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા નથી. વાસ્તવમાં આ સંસ્થાને હાલ કબ્રસ્તાન માટે નીમ કરવામાં આવેલ જમીન ગૌચરની નહીં પરંતુ સરકારી પડતર જમીન છે અને તે પરત્વે જરૂરી પ્રક્રિયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કર્યા બાદ જ તેનો કબજો આ સમિતિને સુપરત કરવામાં આવ્યો છે. આ દેશના પ્રત્યેક નાગરિકને પોતાની ધાર્મિક માન્યતા અનુસાર મૃતદેહને અંત્યેષ્ટિ કરવાનો અધિકાર છે અને સરકારી નિયમો અને ધારાધોરણો મુજબ મુસ્લિમ સંસ્થાઓને આવી જમીન ફાળવવામાં આવતી હોય છે. આમ, કબ્રસ્તાનની જમીન પ્રાપ્ત કરવી અને તેનો ઉપયોગ કરવો મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને તેને કોઈ રોકી શકે નહીં. સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિના સેક્રેટરી સલીમ મીનાપરાએ જણાવ્યું છે કે, સને ૧૯૮૨માં આ સંસ્થાને પાંચ એકર જમીન ધોળી ધજા ડેમ વિસ્તારમાં ફાળવવામાં આવી હતી. પરંતુ આટલા વર્ષોમાં પણ કટ્ટરવાદી પરિબળો દ્વારા યેનકેન પ્રકારે અને અવરોધો ઊભા કરીને તે જમીનનો ઉપયોગ કરાવા દેવાયો ન હતો. તેથી સદરહુ જમીન બાબતે રજૂઆત સંસ્થાના અગ્રણીઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલ તથા સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી હતી. આ તમામ પત્રવ્યવહાર હાલ સરકારી તંત્રમાં રેકોર્ડ પર છે. આથી જિલ્લા કલેકટરે અગાઉ ફાળવેલ જમીનની આજુબાજુ મોટા પ્રમાણમાં સોસાયટીઓનો વિકાસ થતાં સમિતિનાં અગ્રણીઓને સને ૧૯૮૨માં ફાળવાયેલી જમીનને બદલે અન્ય વિકલ્પરૂપે હાલ ફાળવેલ જમીન સ્વિકારવા રૂબરૂ વિનંતિ કરવામાં આવી હતી. આમ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે કલેકટરના સૂચનને માન આપીને સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિ દ્વારા આ વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ ફાળવેલ પાંચ એકર જમીન આજે પણ ટ્રસ્ટના નામે છે અને કલેકટર દ્વારા હાલની સ્થિતિએ તે હુકમ રદ કરવામાં આવેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે, આવા કટ્ટરવાદી તત્વોએ આમ જનતામાં પોતાની મેલી મુરાદ પાર પાડવા માટે સાધુ-સંતો અને મહંતોને ગેરમાર્ગે દોરી પોતાની સાથે રાખ્યા છે. તેથી સાધુ-મહંતો સાથે સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિ તથા રાજ્યકક્ષાની “ગુજરાત સર્વ ધર્મ કબ્રસ્તાન હિતરક્ષક સમિતિ”ના કન્વિનર મુસ્તુફા ખેડુવોરા અને અન્ય અગ્રણીઓ ટૂંક સમયમાં સંવાદ કરશે અને સત્ય હકીકત તેમના ધ્યાને લાવવામાં આવશે. આથી, શાંતિપ્રિય નાગરિકોએ આવા કોમવાદી માનસ ધરાવતા પરિબળો તરફથી કરવામાં આવતી અખબારી યાદી તથા કાર્યક્રમો બાબતે ગેરમાર્ગે ન દોરાવા તથા કોમી સૌહાર્દને જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમિતિના સેક્રેટરી સલીમ મીનાપરાએ જણાવ્યું હતું કે, તેમણે આ પ્રશ્ન “ગુજરાત સર્વ ધર્મ કબ્રસ્તાન હિતરક્ષક સમિતિ”ના માધ્યમથી હલ કરવાનો તેમણે નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર પ્રવર્તમાન નિયમો અનુસાર મુસ્લિમ સમાજને દફનવિધિ માટે જમીન આપે ત્યારે તેના વિરોધમાં કોમવાદી તાકાતો મેદાનમાં આવી ગઈ છે જે ખૂબ દુઃખની વાત છે. તેમણે જણાવ્યું છે કે, આ જિલ્લામાં વર્ષોથી ચાલ્યા આવતા કોમી સૌહાર્દને આ તત્વોની હરકતથી ખતરો ઊભો થઈ શકે છે. સમિતિ પણ મુસ્લિમ સમાજના હિતોની રક્ષા તથા બંધારણીય અધિકારો માટે દરેક પ્રકારની કાર્યવાહી કરશે. તેમણે કાલે પ્રાંત અધિકારીને મળીને જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ સુરેન્દ્રનગર જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી પોતાનો કેસ રજૂ કરી તંત્રને દરેક પ્રકારના સમિતિ વતી સહયોગની ખાતરી આપી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  GujaratHarmony

  ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

  માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
  Read more
  Gujarat

  વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

  શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
  Read more
  CrimeGujarat

  સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

  પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.