કલ્પના કરો કે કેટલાક બાળકોને ભણવામાં રસ નથી પરંતુ તેઓ સારા ક્રિકેટર છે. તો તેઓને ક્રિકેટમાં કોચીંગ આપીને તેઓનો દેખાવ કેવો રહે છે તે જોઇને શાળા દ્વારા અભ્યાસ અને રમતગમતનું સંયુક્ત પરિણામપત્રક તૈયાર કરવામાં આવે તો કેવું રહે ? જો તેને અભ્યાસમાં ઓછા માર્ક આવે પરંતુ ક્રિકેટમાં વધારે માર્ક આવે તો સરવાળે તો તેના ગુણાંક ઊંચા જ આવશે અને બીજા તેજસ્વી વિદ્યાર્થી જેટલી જ પ્રતિષ્ઠા મળશે. તેનાથી નબળા અને તેજસ્વી હોવાનો ભાર તો દૂર થઇ જ જશે પરંતુ લાંબાગાળે વિદ્યાર્થી આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસ સાથે સમાજમાં ટટ્ટાર ઊભો રહી શકશે. જો આવી શિક્ષણ વ્યવસ્થા લાવવામાં આવે તો વાલીઓ પણ ખુશ રહેશે અને દેખાદેખીની બાબતનો છેદ જ ઉડી જશે.
મિત્રો આજે એક મહત્વના વિષય ઉપર વાત કરવી છે. કારણ કે આજકાલનું શિક્ષણ મારી દૃષ્ટિએ તો માત્ર ગુણ આધારિત અને દેખા-દેખીના પાયા ઉપર હોય તેવું દેખાઇ રહયું છે. હજુ તો બાળક માંડ સમજણો થયો હોય અને પોતાની રીતે ભોજન લેતા માંડ-માંડ શીખ્યો હોય ત્યાં તો નર્સરીના સ્વરૂપે શાળાએ ધકેલી દેવામાં આવે છે. પછી વાલીઓમાં એક માનસિકતા ઘર કરી ગઇ છે જેમાં તેઓ એવો વિચાર કરતા થઇ ગયા છે કે મારા સંતાનને કેટલા ગુણ આવ્યા, કયો રેન્ક આવ્યો અને તેના સહાધ્યાયીઓ કરતા આગળ છે કે પાછળ. એક રીતે પોતાના સંતાનમાં કેટલી ક્ષમતા છે અને તે મુજબ તેનો શૈક્ષણિક દેખાવ કેવો છે અને ઇતર પ્રવૃત્તિમાં રસ છે કે નહી તેના તરફ ધ્યાન આપવાના બદલે બીજાથી કેટલા આગળ છે તેની ચર્ચા કરતા જોવા મળે છે. એક રીતે કહીએ તો થ્રી ઇડિયટ્સ મુવીમાં બતાવ્યા મુજબ બધાને કેટલા માર્ક આવ્યા તેના ઉપર જ ધ્યાન હોય છે પરંતુ પોતાની ક્ષમતા કે શોખ પ્રમાણે આગળ આવીને આત્મનિર્ભર બનવાનો વિચાર કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ જૂજ સંખ્યામાં જોવા મળે છે. ખાસ કરીને સંતાનોને આજે શિક્ષણની તોલે તોલીને તેજસ્વી અને નબળા હોવાની એક છાપ ઊભી કરી દે છે. તે સદંતર ખોટું છે. ત્યારે ચાલો આજે આપણે ચર્ચા કરીશું કે ગુણાંક આધારિત શિક્ષણથી આપણને કેટલું નુકસાન છે અને આત્મનિર્ભર બનવાનો ખ્યાલ ક્યારે સાર્થક થશે.
• દેખા દેખીનો જમાનો
જો આજકાલના વાલીઓની પોતાના સંતાનો અને તેમના શિક્ષણ પરત્વેની શું માન્યતા છે તેનો અંદાજ મેળવવો હોય તો પ્રાથમિક શાળાની બહાર ઊભા રહી જવું અને વાલીઓ એકબીજા સાથે ચર્ચા કરતા હોય તેને સાંભળીને નિરીક્ષણ કરવું જોઇએ. બધા એક જ ચર્ચા કરતા હોય છે કે પોતાના સંતાનને આટલા ગુણ આવ્યા અને આટલા ના આવ્યા. અંગ્રેજીમાં વધારે ગુણ આવ્યા અને ગણિતમાં પાછળ રહી ગયો. તેને એ ગ્રેડ આવ્યો કે બી ગ્રેડ આવ્યો. વળી પોતાના સંતાનોને ભલે આવડત ના હોય પરંતુ સ્કેટીંગ, પેઇંટીંગ કે બીજી ઇતર પ્રવૃત્તિમાં ધકેલીને પણ વાલીઓ પોતાનું અભિમાન અને ઇગો પોષતા હોય છે. જ્યારે બાળકનો શોખ શું છે, તેની ક્ષમતા શું છે, તેના પાછળ રહી જવાના કારણો વિષે તો જોતા જ નથી હોતા. બસ જો પ્રથમ રેન્ક આવ્યો તો રાજીના રેડ અને ચાર વેંત ઊંચા ચાલવા લાગે જ્યારે બાળક અભ્યાસમાં ઢ હોય તો જાણે કે જીંદગીમાં નિષ્ફળ રહી ગયા હોય તેવી અનુભૂતી કરવા લાગે છે. પોતાના વાલીઓની વાતો સાંભળીને બાળકોની પણ માનસિકતા એવી જ થઇ જાય છે કે તેને ભલે શિક્ષણમાં રસ ના હોય પરંતુ ગુણાંક તો લાવવા જ પડશે. પોતાના સહાધ્યાયીથી પાછળ નહી રહી જાય ને તેની ચિંતા થતી હોેય છે, રખેને ઓછા ગુણ આવે તો તે ડીપ્રેસનમાં જતો રહે છે. વિદ્યાર્થીઓમાં આત્મહત્યાની ઘટનાઓ પણ રોજબરોજ અખબારોમાં ચમકતી હોય છે ત્યારે બાળકને ખરેખર શું કરવું છે કે તેનામાં શું આવડત છે તે તો કોઇ જોતું જ નથી. અક્ષરજ્ઞાન જરૂરી છે પરંતુ તેના આધારે જ જીંદગીની ગાડી ચાલશે તે માનવું ભૂલ ભરેલું છે. આથી એક રીતે કહીઓ તો શિક્ષણમાં દેખા-દેખી એટલી વધી ગઇ છે કે તેમાંથી બહાર આવતા વર્ષો નીકળી જશે.
• તેજસ્વી અને નબળાના ત્રાજવે તોલવાનું બંધ કરો
પ્રાચીન સમયમાં જ્યારે ઝીરોની શોધ થઇ ત્યારે ભારત વર્ષમાં ગૂરુકુળ પ્રથા હતી જ્યારે વિશ્વના અન્ય દેશોમાં પણ તેના જેવી પણ અલગ નામથી બાળકોને જીવનક્રમમાં આગળ વધે તે માટે શીખ આપવામાં આવતી હતી. વિચાર કરો કે જ્યારે અક્ષર અને આંકડાઓની શોધ થઇ નહોતી ત્યારે સમાજ જીવન ચાલતું નહોતું ? ચાલતું જ હતું. સંતાનની આવડતનું નિરીક્ષણ કરીને તે ક્ષેત્રમાં આગળ લઇ જઇને તેની સમાજમાં ઉપયોગીતા સિદ્ધ કરવામાં આવતી હતી અને તેના આધારે તેને આત્મસન્માન અને આત્મનિર્ભરતા મળી રહેતી હતી. એ વાત પણ સત્ય છે કે, અક્ષરજ્ઞાન અને શિક્ષણથી માનવ જીવનમાં ખૂબ ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે પરંતુ વિચાર કરો કે જેટલા પણ ગોલ્ડ મેડાલિસ્ટ છે તે બધા જ પોતાના ઉદ્યોગ ધંધામાં કે નોકરીમાં ટોચના ક્રમે હોય તેવું બનતું નથી. દરેક બાળક પોતાની એક વિશેષ આવડત, સુઝ અને નસીબના જોરે ટોચ ઉપર પહોંચતા હોય છે. આજે સમગ્ર વિશ્વને એક તાંતણે જોડનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સ્થાપકો કોઇ તેજસ્વી નહોતા. તે જ રીતે ગૂગલના સ્થાપકો પણ પોતાના એક અલગ પ્રકારના વિચારના કારણે વૈશ્વિક સામ્રાજ્યના માંધાતા બની ગયા છે. તો કોઇકે કંઇક અલગ વિચાર્યું અને તેના ઉપર ચાલી ગયા એટલે તેઓ પદ અને પ્રતિષ્ઠા પામ્યા.
કલ્પના કરો કે તેના વાલીઓએ તેમને શિક્ષણ કરવા માટે મજબૂર કરીને વધારેને વધારે માર્ક લાવવા માટે મજબૂર કર્યા હોય તો તેઓની શું હાલત હોત. કહેવાનો મતલબ એ છે કે જ્યારે બાળક શિક્ષણ મેળવતો હોય છે અને ઓછા ગુણ આવે ત્યારે ખુદ તેમના વાલીઓ જ સમાજમાં પોતાનું સંતાન અભ્યાસમાં નબળો કે નબળી છે તે જાણે અજાણે ચર્ચા કરતા હોય છે. અલબત્ત તેઓને તેમના ભવિષ્યની ચિંતા હોય છે. બીજી બાજું તેજસ્વી વિદ્યાર્થી હોય તો તેમની છાતી ગદગદ ફુલતી હોય છે. એક જ યુગલના બે સંતાનોમાં એક અભ્યાસમાં નબળું અને એક તેજસ્વી હોય તો બન્ને વચ્ચેનો ભેદભાવ ઘણી વખત ઉડીને આંખે વળગે છે.
મૂળ વાત એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં હવે એક ફેરફાર લાવવો જરૂરી બની ગયો છે કે જો કોઇ વિદ્યાર્થી અક્ષરજ્ઞાન મેળવવામાં નબળો પુરવાર થાય છે તો પછી તેનામાં એવી કઇ આવડત છે તેનું નિરીક્ષણ કરીને તે તરફ તેને તૈયાર કરવો. તેમને વિશ્વાસ અપાવવો જરૂરી બને છે કે ભલે અભ્યાસમાં મન નથી લાગતું તો પછી જે બાજુ તેને શોખ છે તે તરફ જવા માટે અમે તને સપોર્ટ કરીશું. ખાસ કરીને શાળાના સમયથી જ આ ફેરફાર લાવવો જરૂરી બને છે. જો શરૂઆતથી જ વિદ્યાર્થીને તેનામાં રહેલી આવડત મુજબ આગળ વધવામાં મદદ કરવામાં આવે તો ભવિષ્યમાં બહુ સરળતાથી કારકિર્દીની ગાડી પાટા ઉપર ચડી જાય છે. આત્મનિર્ભર બનવામાં વાર નથી લાગતી. પરંતુ જો તેને ગુણાંકના ભેદભરમમાં નાખી દીધો તો તો પછી પોતે જ લઘુતાગ્રંથિમાં ગુંચવાઇ જઇને પોતાની જ કારકિર્દી બરબાદ કરશે.
• શિક્ષકો અને વાલીઓનો મહત્ત્વનો રોલ
આજકાલ શાળાઓની પેરન્ટસ મીટિંગમાં જોવા મળે છે કે નબળો વિદ્યાર્થી હોય તેના વાલીઓને બોલાવીને ટોકવામાં આવે છે, બાળકની ટીકા કરવામાં આવે છે. તેના કારણે ખુદ વાલીઓ પણ ચિંતિત થઇ જાય છે. પરંતુ જો એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે નબળો બાળક હોય તો તેના તરફ શિક્ષકો ખાસ ધ્યાન આપે અને તેના વાણી-વર્તનનું સતત નિરીક્ષણ કરે અને તેના આધારે એક ચોક્કસ નિરાકરણ લાવે કે ખરેખર બાળકને કઇ દિશામાં લઇ જવું. તેના વિશે વાલીઓને સમજાવે, ચર્ચા કરે. બીજી બાજુ વાલીઓની પણ એટલી જ જવાબદારી છે કે શાળા સિવાયના સમયમાં તેના વાણી-વર્તન કેવા હોય છે. જો શાળા અને શાળા બહારની ખાસિયતો એકસમાન હોય તો પછી બાળકને તે દિશામાં લઇ જવું અત્યંત જરૂરી છે. કલ્પના કરો કે કેટલાક બાળકોને ભણવામાં રસ નથી પરંતુ તેઓ સારા ક્રિકેટર છે. તો તેઓને ક્રિકેટમાં કોચીંગ આપીને તેઓનો દેખાવ કેવો રહે છે તે જોઇને અક્ષરજ્ઞાન અને રમતગમતનું સંયુક્ત પરિણામપત્રક તૈયાર કરવામાં આવે તો કેવું રહે ? જો તેને અભ્યાસમાં ઓછા માર્ક આવે પરંતુ ક્રિકેટમાં વધારે માર્ક આવે તો સરવાળે તો તેના ગુણાંક ઊંચા જ આવશે અને બીજા તેજસ્વી વિદ્યાર્થી જેટલી જ પ્રતિષ્ઠા મળશે. તેનાથી નબળા અને તેજસ્વી હોવાનો ભાર તો દૂર થઇ જ જશે પરંતુ લાંબાગાળે વિદ્યાર્થી આત્મનિર્ભર બનીને આત્મવિશ્વાસ સાથે સમાજમાં ટટ્ટાર ઊભો રહી શકશે. જો આવી શિક્ષણ વ્યવસ્થા લાવવામાં આવે તો વાલીઓ પણ ખુશ રહેશે અને દેખાદેખીની બાબતનો છેદ જ ઊડી જશે.
આ બાબતે તમારે શું કહેવું છે ? આવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઇએ કે નહી તે બાબતે લેખના અંતે આપેલા ઇમેલ એડ્રેસમાં તમારો મત જરૂરથી વ્યક્ત કરજો. ઓલ ધ બેસ્ટ.
ઉપરોકત કોલમ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવી છે. જેમાં એજ્યુકેશનને લઈ મૂંઝવતા પ્રશ્નો પર, કારકિર્દીને લગતા પ્રશ્નોના સચોટ જવાબો આપવામાં આવશે.એજ્યુકેશન લગતા પ્રશ્નો વિદ્યાર્થીઓ
ગુજરાતટુડેના ઈ-મેઈલ પર મોકલી શકે છે.
E-MAIL: sahebtoday@gmail.com
– સાહેબ સોની