મામલા અંગે ખુલાસો માગતી કોર્ટ સમક્ષ પોલીસનું ભેદી મૌન
અમદાવાદ,તા.ર૮
ચોરીના આરોપીઓને નજર કેદ કરાયા બાદ ર૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાને બદલે બે દિવસ બાદ રજૂ કરાતા અમદાવાદનું શહેર કોટડા પોલીસ સ્ટેશન વિવાદમાં સપડાયું છે. આ અંગે કોર્ટે પોલીસ પાસેથી ખુલાસો માગ્યો તો પોલીસ કર્મીઓ જવાબ આપી શકયા નહોતા, જેથી ડીસીપી,પીઆઈ તથા પીએસઆઈ સહિતના અધિકારીઓને હાજર રહેવા કોર્ટે હુકમ કર્યો છે. શહેર કોટડા પોલીસના પીએસઆઈએ ગેરકાયદે ગેસના બાટલામાંથી ગેસ કાઢી ચોરી કરવાના આરોપમાં સંજય ભારતી પ્રસાદ સાહુ અને રમેશ સોમાભાઈ વાઘેલાની તા.૧૯મીના રોજ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીઓને કોરોનાનો ટેસ્ટ કરાવી તા.ર૦મી જાન્યુઆરીએ કોર્ટમાં રજૂ કરવા ના હતા. જો કે, આરોપીઓને રરમીએ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે હાજર પોલીસ કર્મીઓને આ અંગે પૂછયું તો તેઓ ખુલાસો કરી શકયા નહોતા. આરોપી તરફે વકીલે જણાવ્યું હતું કે, આરોપીઓને ર૪ કલાકમાં કોર્ટમાં રજૂ કરવાની જગ્યાએ પોલીસે ર દિવસ બાદ રજૂ કર્યા હતા. જેનો કોર્ટે ખુલાસો પૂછતા પોલીસ કર્મી જે ડ્રેસ વગર કોર્ટમાં હાજર રહ્યા હતા. તેઓને પહેલા કોર્ટે ડ્રેસમાં આવવા કહ્યું હતું બાદમાં આ બાબતે ખુલાસો પૂછતા તેઓ આપી શકયા ન હતા. પીએસઆઈ ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓને હાજર રહેવાનું કોર્ટે કહેવા છતાં તેઓ હાજર રહ્યા ન હતા. જેથી કોર્ટે આ સમગ્ર મામલે ચોરીના કેસમાં તપાસ કરનારથી લઈ ઝોન-૩ ડીસીપી, પીઆઈ સહિત ૮ જેટલા પોલીસ કર્મીઓને ૧ ફેબ્રુઆરીના રોજ સોમવારે હાજર રહેવા મૌખિક હુકમ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેર કોટડા પોલીસ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. આ કેસમાં કોર્ટ સમક્ષ યોગ્ય જવાબ ન આપનારી શહેર કોટડા પોલીસ સામે પોલીસ કમિશનર એકશન લેશે ? તે જોવું રહ્યું.