Sports

ચહલ ભારતનો સૌથી મોંઘો બોલર બન્યો

સેન્ચ્યુરીયન, તા.રર
ભારત તરફથી ટી-ર૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરનાર લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલના નામે બુધવારે સેન્ચ્યુરીયનની એક ઈનિંગમાં સૌથી ખરાબ બોલિંગ વિશ્લેષણનો ભારતીય રેકોર્ડ પણ જોડાઈ ગયો. ચહલે દ.આફ્રિકા સામેની બીજી ટી-ર૦ મેચમાં પોતાની ચાર ઓવરમાં ૬૪ રન આપ્યા અને તેને કોઈ વિકેટ મળી નહીં. આ રીતે તે ભારત તરફથી એક ઈનિંગમાં સૌથી મોંઘો બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ જોગીન્દર શર્માના નામે હતો. જેણે ર૦૦૭માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ડરબનમાં ચાર ઓવારમાં પ૭ રન આપ્યા હતા. સંયોગથી ભારત તરફથી ટી-ર૦માં એક ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શનનો રેકોર્ડ પણ ચહલના નામે જ છે. તેણે ફેબ્રુઆરી ર૦૧૭માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ બેંગલોરમાં રપ રન આપી ૬ વિકેટ ઝડપી હતી. સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના મામલામાં ચહલ વિશ્વ ટી-ર૦ ક્રિકેટમાં ત્રીજા સ્થાને છે. જ્યારે સૌથી ખરાબ પ્રદર્શનના મામલામાં પણ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. આયર્લેન્ડનો બૈરી મૈકાર્થી(૪ ઓવરમાં ૬૯ રન) અને દ.આફ્રિકાનો કાઈલ એબોટ (૪ ઓવરમાં ૬૮ રન) સૌથી મોંઘા બોલરોની યાદીમાં પ્રથમ બે સ્થાને છે. ત્યારબાદ ચહલ સહિત એન્ડરસન, જયસૂર્યા, ટાઈ અને વ્હીલરનો નંબર આવે છે.