(એજન્સી) ભોપાલ, તા.૩
મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં મહિલાની છેડતીનો આરોપ લગાવનાર દલિત યુવકનો ચહેરો કાળો કરવામાં આવ્યો હતો. આ પછી, તેને અર્ધ-નગ્ન હાલતમાં તેના ગળામાં જૂતાની માળા પહેરાવીને પરેડ કરવામાં આવી હતી. આ મામલો ૨૯ સપ્ટેમ્બરનો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સાથે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અભિષેક આનંદે જણાવ્યું કે, આ ઘટના ગત સપ્તાહની શરૂઆતમાં જિલ્લાના ભાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૈસોદામંડી ગામમાં બની હતી. વીડિયોમાં એક અર્ધ-નગ્ન વ્યક્તિ દેખાઈ રહ્યો છે જેનો ચહેરો કાળો દેખાય છે. તેણે માત્ર ટ્રાઉઝર પહેર્યું છે. તેના ગળામાં ચંપલની માળા છે. લોકોના જૂથ દ્વારા તેને ગામની શેરીઓમાં ચાલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ૨૯ સપ્ટેમ્બરે ગામની એક મહિલાએ વીડિયોમાં દેખાતા દલિત યુવક વિરૂદ્ધ છેડતીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એસપીએ જણાવ્યું હતું કે,મહિલાની ફરિયાદના આધારે દલિત યુવક વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૭૪ (મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી હુમલો) અને ૭૮ (પીછો કરવો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન, આરોપીએ મહિલા પર હુમલા વિશે કંઈપણ જણાવ્યું ન હતું.મંગળવારે તેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેનો સંપર્ક કર્યો હતો. તેમના દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, રામેશ્વર ગુર્જર, બાલચંદ ગુર્જર સહિત કેટલાક ગ્રામજનો વિરૂદ્ધ BNS અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ હેઠળ FIR નોંધવામાં આવી છે.