(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ચેન્નાઈ અને તમિલનાડુ ઉપરાંત પુડ્ડુચેરીના અનેક ભાગોમાં શનિવારથી જારી રહેલા વરસાદ અને પાણી ભરાવા તથા હજુ પણ ભારે વરસાદની શકયતાને પગલે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. ચેન્નાઈ અને ચેંગલપેટ, કાંચીપુરમ તથા તિરૂવલ્લુર જિલ્લાઓના ભાગોમાં શનિવાર સવારથી અવિતર વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. શનિવારે આખી રાત વરસાદ પડવાથી તેણે ૨૦૧૫ બાદ સૌથી વધુ વરસાદનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે તથા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
૨. હવામાન વિભાગે ચેન્નાઈ, વેલ્લોર, નાગાપટ્ટીનમ, કરાઈકલ ઉપરાંત અન્ય તમિલનાડુના ૧૪ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
૩. વિસ્તારોમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવા માટે ચેન્નાઈ કોર્પોરેશને ૫૦૦ સ્થળોએ પંપની વ્યવસ્થા કરી છે. ઉપરાંત તંત્ર દ્વારા નાસ્તા માટે ૧ લાખ ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં ભોજન, આશ્રય અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે. સત્તાવાળાઓએ જણાવ્યું કે, રવિવાર બપોરથી અત્યારસુધી ૨,૦૨,૩૫૦થી વધુ અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ભોજન પૂરૂં પડાયું છે.
૪. ચેન્નાઈ કોર્પોરેશનના કમિશનર ગગનદીપસિંહે કહ્યું કે, અમે પાણીનો નિકાલ કરી રહ્યા છીએ પણ વિસ્તારોમાં પાણી ઝડપથી ભરાઈ રહ્યા છે. ૨૧ સેમી વરસાદ પડકારજનક છે અને પાણીનો નિકાલ તાત્કાલિક થઈ શકે તેમ નથી. આગામી કેટલાક દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે કોર્પોરેશને બચાવ માટે બોટો ઉતારી દીધી છે.
૫. રેઈનકોટમાં સજ્જ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન રાહત સામગ્રી વહેંચતા દેખાયા હતા. સ્ટાલિને ચેન્નાઈ, તિરૂવલ્લુર, ચેંગલપેટ અને કાંચીપુરમ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે શાળાઓમાં બે દિવસની રજા જાહેર કરી છે. તેમણે આઠ સ્થળોની મુલાકાત લઈને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા. મુખ્યમંત્રીએ અપીલ કરી હતી કે, ચેન્નાઈ માટે પ્રવાસ કરતાં લોકો હાલ પોતાનો પ્રવાસ ટાળે.
૬. હવામાન વિભાગે કહ્યું કે, ઓકટોબરમાં ઉત્તર-પૂર્વ ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી તમિલનાડુ અને પુડ્ડુચેરી રાજ્યોમાં ૪૩ ટકા વરસાદ પડી ગયો છે.
૭. લોકોને જરૂરી સામાન ખરીદવા માટે દુકાનો સુધી જવા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે પાણી ભરાયા છે.
૮. રાજ્ય સરકારની અપીલને પગલે એનડીઆરએફે બચાવ અભિયાન માટે ચાર ટીમો ખડકી છે.
૯. ચેન્નાઈ આસપાસના તળાવો ભરાઈ ગયા જ્યારે ચેમ્બરમબક્કમ તળાવમાંથી પાણી છોડવું પડ્યું હતું. ૮૫.૪ ફૂટ ઊંડા તળાવમાં હવે પાણીનું સ્તર ૮૨.૫ ફૂટ થઈ ગયું છે. વર્ષ ૨૦૧૫માં આ તળાવમાંથી ભારે વરસાદને પગલે પાણી છોડાયું હતું.
૧૦. તંત્રએ જણાવ્યું કે, ૨૦૧૫માં ચાર લાખ મકાનો ભારે પૂરથી અસરગ્રસ્ત થયા હતા તેવી જ સ્થિતિ હાલ થવા પામી છે.