(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
વડાપ્રધાન મોદી દુનિયાની સૌથી મોટી વીડિયો કોન્ફરન્સ કરવા મુદ્દે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના આઈટી સેલ પ્રમુખ એમિત માલવીય સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા છે. રોષે ભરાયેલા યુઝર્સોએ અમિત માલવીયને આડેહાથ લેતા લખ્યું છે કે શરમ કરો, બેશરમીની પણ હદ હોય છે. યુઝર્સોએ ભારતીય જનતા પાર્ટી પર હુમલો કરી લખ્યું કે, તમારામાં તો આમેય શરમ જેવું કશું છે જ નહીં. મતદારોને રિઝવવા તમામ પ્રોગ્રામ કરતા-કરતા તમારા જેવા બનાવટી રાષ્ટ્રવાદી જોયા નથી. યુઝર્સોએ ટ્વીટ કર્યું કે જંગના માહોલ વચ્ચે આપણા બહાદુર અભિનંદન પાકિસ્તાનના કબજામાં છે અને તમને પાર્ટીનો પ્રચાર કરવામાં જ રસ પડ્યો છે. તેમણે સૌથી મોટી કોન્ફરન્સ કરવાને બદલે અભિનંદનને પરત લાવવા સૌથી મોટું અભિયાન ચલાવવા ભાજપને સલાહ આપી. સોલ ઓફ ઈન્ડિયા નામના ટ્વીટર પર લખ્યું છે કે, ભાજપવાળાઓમાં તો આમેય શરમનું છાંટું જેવું નથી. મર્યાદાને પણ મલાજો હોય છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ગુરૂવારે એક સૌથી મોટી કોન્ફરન્સ દ્વારા ૧પ,૦૦૦ જગ્યાએ પાર્ટી સાથે જોડાયેલ લોકોને સંબોધિત કરવાના હતા. આ બાબતનો પ્રચાર કરતા આઈટી સેલ પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કર્યું હતું કે સવાલો અને સલાહો માટે આપ સૌનો આભાર. અમે પાર્ટી અને વડાપ્રધાનના તમામ ચેનલોના માધ્યમથી સોશિયલ મીડિયાની તમામ ચેનલો પર લાઈવ (જીવંત) રહીશું. અમિત માલવીયની આ ટ્વીટ પર લોકો રોષે ભરાયા હતા.