(એજન્સી) તા.૧૫
૧૩, સપ્ટે.ના સોમવારે જયારે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ જમ્મુ અને કાશ્મીરમાં શેડ્યુલ્ડ ટ્રાઇબ એન્ડ અધર ફોરેસ્ટ ડ્વેલર્સ (રેકગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ) એક્ટનો અમલ કરવાના કાર્યક્રમના ભાગરૂપે ગુજ્જર-બકેરવાલ અને ગાદી-સીપી અનુસૂચિત જનજાતિના લોકોને વ્યક્તિગત અને સામુદાયિક અધિકારો આપતાં પ્રમાણપત્રોનું વિતરણ કર્યુ ત્યારે જેમની યાદદાસ્ત તેજ છે એવા સ્થાનિક લોકોને આ સ્થિતિમાં અનેક વિડંબના અને વિસંગતતાઓ દેખાઇ હતી. તેનું કારણ એ છે કે ભાજપ શાસિત કેન્દ્ર સરકારે ૫, ઓગસ્ટ ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો બક્ષતા અનુચ્છેદ ૩૭૦ એકપક્ષીય રીતે રદ કર્યો ત્યારથી સ્વયંને આદિવાસી સમુદાયના તારણહાર તરીકે પ્રોજેક્ટ કરી રહેલ ભાજપ એ ભૂલી ગયો લાગે છે કે તેણે જ આ જ સમુદાયોને સુરક્ષિત અને તેમનું સશક્તિકરણ કરવા માટેની મહત્વની દરખાસ્તોનો વિરોધ કર્યો હતો જ્યારે ભાજપ પીડીપી સાથે ગઠબંધન કરીને ૨૦૧૫થી ૨૦૧૮ વચ્ચે સત્તામાં ભાગીદારી કરી રહ્યો હતો. વાસ્તવમાં રાજ્ય સરકારના ભાજપના સભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ કરવા ભારતના બંધારણ દ્વારા અનુચ્છેદ ૩૭૦ મારફતે રાજ્યને એ વખતે આપવામાં આવેલ ખાસ દરજ્જાનો પણ ઉપયોગ કર્યો હતો. આદિવાસીઓની નીતિથી લઇને તત્કાલીન રાજ્યના પોતાના વન્ય અધિકારો અધિનિયમ ઘડવા સુધીની બાબતમાં રજૂ થયેલા પ્રસ્તાવોનો ૨૦૧૭ અને ૨૦૧૮માં ભાજપે કરેલા વિરોધને કારણે ગુજ્જર અને બકેરવાલના અધિકારોને સુરક્ષિત કરવા માટે આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલ મહત્વની પહેલને બ્રેક લાગી ગઇ હતી. આ મુસ્લિમ આદિવાસી સમુદાયોને ભાગલાના સમયથી જમ્મુ અને કાશ્મીરમાં ઐતિહાસિક રીતે અન્યાયનો સામનો કર્યો છે જેમાં હુમલાઓ, સ્થળાંતર અને વિસ્થાપનનો પણ સમાવેશ થાય છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિમાં ૮૬.૩ ટકા મુસ્લિમો છે. ભાજપ ૨૦૧૫માં આદિવાસી બાબતોના મંત્રાલયની રચના કરવા બાબતે સંમત થયું હતું પરંતુ ડિસે. ૨૦૧૭માં જ્યારે કેબિનેટ સમક્ષ આદિવાસી નીતિ મંજૂરી અર્થે રજૂ કરાઇ ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો.