(એજન્સી) અનંતનાગ, તા.૨૬
દક્ષિણી કાશ્મીરના બિજબેહરા વિસ્તારમાં આતંકીઓએ શુક્રવારે સુરક્ષાબળોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. આ આતંકી હુમલામાં એક બાળકનું પણ મોત થયું છે બાળકનું મોત હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં થઈ ગયું હતું. આતંકી સુરક્ષાબળોને નિશાન બનાવીને સતત ફાયરિંગ કર્યું હતું.
આ હુમલા બાદ સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને સીલ કર્યો છે. આતંકીઓને પકડવાના પ્રયાસો શરૂ છે. સુરક્ષાબળના જવાન પણ આતંકીઓને નિશાન બનાવીને સતત ફાયરિંગ કરી રહ્યા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સના પાર્ટીના નેતા ઓમર અબ્દુલ્લાએ ટિ્વટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, કાશ્મીરમાં હિસામાં છ વર્ષનો માસુમ બાળક નવો શિકાર છે. આતંકીઓના ગ્રેનેડ હુમલાથી તેની મોત દુઃખદ છે અને હું તેની નિંદા કરૂં છું અલ્લાહ તેને જન્નત અને તેના પરિવારને આવા મુશ્કેલ સમયમાં સાંત્વના આપે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચેના એકાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં આ અથડામણ ગુરૂવાર સાંજથી શરૂ થઇ હતી, જે ૧૨ કલાકથી પણ વધુ સમય ચાલી હતી.