(એજન્સી) તા.૧૧
સાત ચરણોમાં યોજાનારી લોકસભા ચૂંટણીના ત્રણ ચરણો પવિત્ર રમઝાન માસમાં યોજવાના ચૂંટણી પંચના નિર્ણય સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ર૦૧૯ની ચૂંટણીના સમયપત્રક મુજબ છેલ્લા ત્રણ ચરણો ૬ મે, ૧ર મે અને ૧૯ મેના દિવસે યોજાશે, જ્યારે પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત ૬ મેથી થશે. આ સમયપત્રક સામે નારાજગી વ્યક્ત કરતા જાણીતા મુસ્લિમ વિદ્વાન મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ માગણી કરી હતી કે, ચૂંટણીની તારીખોમાં ફેરબદલ કરવામાં આવે. તેમણે કહ્યું હતું કે, “પ મેના દિવસે રમઝાન મહિનો શરૂ થઈ જશે. ચાંદ જોયા પછી ૬ મેના રોજ પ્રથમ રોઝો થશે. આવી પરિસ્થિતિમાં ગરમીના કારણે મુસ્લિમોને મુશ્કેલી પડી શકે છે.” શિયા ધર્મગુરૂ કલ્બે જવાદે પણ ચૂંટણી પંચના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “ચૂંટણી પંચે રમઝાનની તારીખને ધ્યાનમાં રાખીને ઘોષણા કરવી જોઈએ. મતદાન કરવા માટે લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એવા સંજોગોમાં રોઝદારોને તકલીફ પડશે અને ઘણા મુસ્લિમો મતદાનથી વંચિત રહી જશે. જેના લીધે લોકતંત્રના પર્વનો ઉત્સાહ ઓછો થઈ જશે. આથી અમારી વિનંતી છે કે, આથી અમારી વિનંતી છે કે, ચૂંટણી પંચ આ તારીખોમાં ફેરબદલ કરે.” નોંધનીય છે કે, ત્રણ એવા રાજ્યો છે, જ્યાં ભાજપ ર૦૧૪ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માંગે છે અથવા તો વધુ સારૂં પ્રદર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. આ રાજ્યો છે ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ અને મહત્ત્વની વાત એ છે કે, આ ત્રણેય રાજ્યોમાં નોંધપાત્ર મુસ્લિમ વસ્તી છે. યુપીમાં લોકસભાની ૮૦ બેઠકો છે. જેમાંથી ૪૧ બેઠકો પર રમઝાન મહિનામાં ચૂંટણી યોજાશે. આવી જ રીતે બિહારની કુલ ૪૦ બેઠકોમાંથી ર૧ બેઠકો પર અને બંગાળની ૪રમાથી ર૪ બેઠકો પર રમઝાનમાં ચૂંટણી યોજાશે. અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં ૧ર, ઝારખંડમાં ૧૧, મધ્યપ્રદેશમાં ર૩, પંજાબમાં ૧૩, દિલ્હીમાં ૭ અને હરિયાણાની ૧૦ બેઠકો પર રમઝાન મહિનામાં ચૂંટણી યોજાશે. આમ છેલ્લા ત્રણ ચરણોમાં યોજાનારી કુલ ૧૬૯ લોકસભા બેઠકોની ચૂંટણી પવિત્ર રમઝાન મહિના દરમિયાન યોજાશે.
બંગાળમાં ૭ ચરણોમાં યોજનારી ચૂંટણીના કારણે લોકોને મુશ્કેલી પડશે : તૃણમૂલ કોંગ્રેસ
(એજન્સી) તા.૧૧
તૃણમૂલ કોંગ્રેસે રવિવારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી સાત ચરણોમાં યોજાશે તો લોકોને ઘણી અસુવિધાનો સામનો કરવો પડશે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ફિરદાદ હકીમે આક્ષેપ કર્યો હતો કે ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે ચૂંટણીપંચને ખોટી માહિતી આપી છે. જેના કારણે ચૂંટણી પંચે અહીં સાત ચરણોમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે.
હકીમે કહ્યું હતું કે, આ લાંબી ચૂંટણી પ્રક્રિયાના કારણે લોકોને ખૂબ મુશ્કેલી પડશે ખાસ કરીને લઘુમતી સમુદાયને કારણ કે ચૂંટણી રમઝાનમાં પણ યોજાવાની છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ ખૂબ જ ખુશ છે કે કેન્દ્રીય બળોની મદદથી ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ આવું ર૦૧૪માં પણ થયું હતું. અને અમે ૩૪ બેઠકો જીત્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વિશે ખોટી માહિતી આપે કેન્દ્ર સરકારે ચૂંટણી પંચને ગેરમાર્ગે દોર્યો છે. પરંતુ અમે ભાજપને હરાવીશું કારણ કે લોકો મળતા બેનરજી સાથે છે.