જામનગર, તા.૪
જામનગરના સરૂસેક્શન રોડ પર આવેલા નવા આવાસમાં રહેતા એક મહિલા પીએસઆઈના પતિએ ગઈકાલે અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે.
જામનગરના સરૂસેક્શન રોડ પર આવેલા નવા આવાસની એ-૪ વિંગમાં પાંચમાં મજલે વસવાટ કરતા નિર્મળસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૫) નામના ગરાસિયા યુવાનના નાનાભાઈના ગઈકાલે જામનગરમાં રાજપૂત સમાજના યોજાયેલા સમૂહલગ્નમાં લગ્ન નિર્ધારવામાં આવ્યા હતા. જેમાં ભાગ લેવા માટે નિર્મળસિંહ તેમજ તેમના પત્ની કલ્પનાબા જાડેજા કે જેઓ ખંભાળિયા શહેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની ફરજ બજાવે છે તેઓ તેમજ અન્ય પરિવારજનો હાજર હતા.
ધામધૂમપૂર્વક લગ્ન સંપન્ન થયા પછી નવદંપતીની છેડાછેડી છોડવા સહિતની વિધિઓ માટે જાડેજા પરિવાર હસીખુશીથી ભાગ લઈ રહ્યો હતો તે દરમ્યાન પોતાના ઘેર આવાસમાં પહોંચેલા નિર્મળસિંહએ અંદાજે રાત્રે આઠેક વાગ્યે ઓરડામાં રહેલા પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો.
જામનગર તાલુકાનું નાઘુના ગામમાં રહેતા દશરથસિંહ દીપસિંહ દેદા (ઉ.વ.૨૪) નામના ગરાસિયા યુવાને આઠેક મહિના પહેલાં જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલા વિનાયક પાર્ક નજીક રહેતા સેજલબા (ઉ.વ.૨૦) સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ સંબંધથી સેજલબાના પરિવારજનો નારાજ થયા હતા. તે પછી સપ્તાહમાં પણ સેજલબાના બીજા ભાઈના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં આવવા માટે સેજલબાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. આ બાબતે સેજલબાને માઠુ લાગી આવ્યું હતું. તેથી તેઓએ શનિવારે રાત્રે પોતાના ઘેર નાઘુનામાં ગળાફાંસો ખાઈ લીધો હતો.