જામનગર, તા.૧૧
જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર પાસેથી શુક્રવારે એસઓજીએ એક શખ્સની દેશી પિસ્તોલ, કારતૂસ સાથે પકડી પાડ્યો હતો. તે ગુનામાં આ શખ્સ જ્યાં નોકરી કરે છે તે પેઢીના માલિકને આ ગુનામાં નહીં સંડોવવા અને જે બાઈકમાં પિસ્તોલધારી શખ્સ જતો હતો તે બાઈક પાછું આપી દઈ ગુનામાં નહીં બતાવવા માટે એસઓજીના બે કર્મચારીઓએ રૂા.સાત લાખમાં તે વેપારી સાથે પતાવટનો સોદો કર્યા પછી પોણા છ લાખ મેળવી લીધા હતા. જેની આખરી કિશ્ત રૂા.સવા લાખ લેવા ગયેલા બંને પોલીસકર્મીને તે વેપારીની ફરિયાદ પરથી ગોઠવાઈ ગયેલા એસીબીના સ્ટાફે છટકામાં ઝડપી પાડ્યા છે. તે પછી બંને પોલીસકર્મી તેમજ એક ફોજદારને ઘેર ચકાસણી કરાઈ હતી ત્યાંથી કઈં જ મળ્યું નથી. અદાલતે બંને કર્મીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વેપારીએ લાંચરૂશ્વત વિરોધી શાખાની રાજકોટ કચેરીનો સંપર્ક કરી ઉપરોક્ત પોલીસકર્મીઓ પૈસા માંગતા હોવાની રજૂઆત કરતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીએ તે વેપારી સાથે તાત્કાલીક વાતચીત કરી તેઓને આપવાના થતા સહયોગ અંગે પૂરેપુરી જાણકારી આપી બંને પોલીસકર્મીઓને રંગે હાથ પકડી પાડવા છટકુ ગોઠવ્યું હતું અને તે માટેની કામગીરી રાજકોટ શહેરી એસીબીના પીઆઈ એચ.એસ. આચાર્યને સૂચના આપી હતી. જેના પગલે રાજકોટ એસીબીએ શનિવારે સાંજે ચારેક વાગ્યે સાદા વસ્ત્રોમાં સજ્જ થઈ જામનગર આવી પહોંચ્યા પછી પટેલ કોલોની શેરી નં.૧૦માં આવેલા એક ટુ-વ્હીલરના શો-રૂમ નજીકની ફરિયાદીની ઓફિસમાં ગોઠવાઈ જઈ બંને પોલીસકર્મીનો ઈન્તઝાર શરૂ કર્યો હતો. બાકીની રકમ સ્વીકારવા માટે જ્યારે હે.કો. ભગીરથસિંહ તથા પો.કો. જોગીન્દ્રસિંહ જ્યારે તે ઓફિસમાં આવ્યા ત્યારે અગાઉથી ફરિયાદીને એસીબી દ્વારા પૂરી પાડવામાં આવેલી પાઉડરવાળી ચલણી નોટો ફરિયાદીએ બંને પોલીસકર્મીને હાથોહાથ સોંપતા અને તે પોલીસકર્મીઓએ આ રકમ સ્વીકારતા જ એસીબીના સ્ટાફે ધસી જઈ બંનેને રંગે હાથ પકડી પાડ્યા હતાં અને જામનગરની એસીબી કચેરીએ ખસેડ્યા હતા. એસીબી પીઆઈ (રાજકોટ ગ્રામ્ય) એમ.કે. વ્યાસે બંને કર્મચારીઓને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે ન્યાયમૂર્તિના નિવાસસ્થાને રજુ કર્યા હતા.