National

જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

(એજન્સી) મુંબઈ, તા.૧૭
હાલમાં જ ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદે બોમ્બે હાઈકોર્ટમાં એમની સામે દાખલ થયેલ એફઆઈઆર રદ કરવા અરજી દાખલ કરી છે. બન્નેએ જુદી જુદી અરજીઓ દાખલ કરી છે. ૩૧મી ડિસેમ્બર આ બન્નેએ પુણેથી ૩૦ કિ.મી. દૂર ભીમા કોરેગાંવ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. પોલીસે એમની ઉપર આક્ષેપો મૂકયા હતા કે એમના ભાષણો ઉશ્કેરણીજનક છે જેના લીધે ઈપીકોની વિવિધ કલમો હેઠળ આ બન્ને વિરૂદ્ધ ૩જી જાન્યુઆરીએ પુણે પોલીસે એફઆઈઆર નોંધી હતી. જેને બોમ્બે હાઈકોર્ટમાં પડકારાયો છે. સીજેપીએ એમના દ્વારા આપેલ ભાષણોનું ઝીણવટરીતે પૃથ્થકરણ કર્યું છે અને નોંધ્યું છે કે, એમણે કરેલ ભાષણો દ્વારા કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી થઈ ન હતી કે અન્ય કોઈ ગુનો બનતો નથી ફકત રાજકીય દુષ્પ્રેરણાથી એમની સામે એફઆઈઆર દાખલ કરાયેલ છે. છેલ્લા કેટલાક સમયથી દલિત કોમને મહારાષ્ટ્ર પોલીસના વિવિધ વિભાગો લક્ષ્ય બનાવી રહ્યા છે જેના લીધે વિવિધ વિસ્તારોમાં ભય ફેલાઈ ગયું છે. જેમાં કલ્યાણપૂર્ણ, લાતુર અને નાંદેડમાં વધુ અસર થઈ છે. ભીમા કોરેગાંવમાં થયેલ હિંસાના પગલે બે હિન્દુત્વ કટ્ટરપંથી સભ્યો સામે પણ કેસ નોંધાયો છે. જિગ્નેશ મેવાણીએ એમની સામે દાખલ થયેલ એફઆઈઆરને રદ કરાવવા અરજી દાખલ કરી છે. એમણે અરજીમાં જણાવ્યું છે કે, અમારા ભાષણના ૭ર કલાકો પછી એફઆઈઆર નોંધવામાં આવી છે જે સ્પષ્ટરીતે પછીનો વિચાર જણાવે છે. જેના લીધે જિગ્નેશ મેવાણીના જીવને જોખમ ઊભું થયું છે. અરજીમાં જણાવાયું છે કે, એમની સામે કલમ ૧પ૩-એ હેઠળ આક્ષેપો મૂકાયા છે પણ એમના દ્વારા અપાયેલ ભાષણમાં કોઈપણ ઉશ્કેરણીજનક વાત ન હતી. જે વાત કહેવાની પરવાનગી વાણી સ્વતંત્રતાની પરિભાષામાં આવે છે. એ જ વાત એમણે કરી છે. એમણે વધુમાં જણાવ્યું છે કે કલમ ૧પ૩-એની જોગવાઈ મુજબ બે કોમો વચ્ચે દુશ્મનાવટ ફેલાવતી જોઈએ પણ ભાષણના અંતે આવી કોઈ વાત થઈ ન હતી. એમના ભાષણથી કોઈ શાંતિ જોખમાઈ ન હતી જેથી આ કલમ લાગુ કરી શકાય નહીં. સીજેપી સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ એક નાગરિકોના અધિકારોના રક્ષણનું કાર્ય કરતી સંસ્થા છે. ખાસ કરીને જેમની સામે ખોટા કેસો દાખલ થાય છે. એમને કાયદાકીય મદદ પૂરી પાડે છે. આ અરજીઓમાં પણ સીજેપી કાયદાકીય ટીમે દાખલ કરતી વેળાએ મદદ પૂરી પાડી છે. અરજીમાં મેવાણીના ભાષણના અંશો પણ જણાવાયા છે. મેવાણીએ કહ્યું હતું કે જો અમે નવા પેશવાઈઓ ઉપર જીત હાંસલ કરવા ઈચ્છીએ છીએ તો અમને આ ભીમા કોરેગાંવ સંઘર્ષને આગળ વધારવું પડશે. આ ફકત ચૂંટણીના રાજકારણથી શક્ય બનશે નહીં. મારા મતે જે લોકો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો માટે લડવા ઈચ્છે છે. એ ધારાસભામાં અને સંસદમાં હોવા જોઈએ. પણ જાતિવાદનો સંપૂર્ણ નાશ ફકત શેરીઓમાં સંઘર્ષ કરી જ મેળવી શકશે. એક જૂથનો અન્ય જૂથ ઉપર શાસનને ફકત શેરીઓના સંઘર્ષથી અંત લાવી શકાશે. અરજીમાં જણાવાયું છે કે, આ ભાષણ પછી કોઈપણ તોફાનો થયા ન હતા જે કલમ ૧પ૩-એની આવશ્કયતા છે. આ માટે એફઆઈઆર રદ થવી જોઈએ. ઉમર ખાલિદ દ્વારા દાખલ થયેલ અરજીમાં પણ આ જ પ્રકારની વિગતો જણાવવામાં આવી છે.