National

જુમ્આની નમાઝ માટે સમય આપવાની મુસ્લિમ શિક્ષકોની વિનંતીને કારણે દિલ્હી સરકાર વિમાસણમાં

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
દિલ્હી લઘુમતી કમિશનર દ્વારા પ્રાથમિક શાળાના મુસ્લિમ શિક્ષકોને જુમ્આની નમાઝ પઢવાનો સમય ફાળવવાની પરવાનગી માંગતો પત્ર લખતા દિલ્હી શિક્ષણ વિભાગ વિમાસણમાં મૂકાયું છે જ્યારે અધિકારીઓ ટેકનિક પાછળ સંતાઈ રહ્યા છે. દિલ્હી સરકારે સરકારી શાળાના મુસ્લિમ શિક્ષકોને શાળાના સમય દરમ્યાન જુમ્આની નમાઝ પઢવા જવા દેવાનો ઈન્કાર કર્યો છે. દિલ્હી લઘુમતી આયોગના ચેરમેન ઝરાફુલ ઈસ્લામખાને જણાવ્યું કે અખિલ દિલ્હી પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુમ્આની નમાઝ ૧ વાગ્યાથી ર વાગ્યાના સમય દરમ્યાન પઢવા જવા દેવા પરવાનગી માંગતો પત્ર દિલ્હી સરકાર અને ત્રણ નગર પાલિકાઓને પાઠવવામાં આવ્યો હતો. જેની પ્રતિક્રિયાના ભાગરૂપે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગે લેખિતમાં જણાવ્યું કે શાળના સમય દરમ્યાન શિક્ષકો ચાલુ ક્લાસ છોડીને જુમ્આની નમાઝ પઢવા જઈ શકતા નથી. એનાથી વિદ્યાર્થીઓના હિતોને નુકસાન પહોંચે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ખાને કહ્યું કે શિક્ષણ વિભાગ અનુસાર કર્મચારી શાળામાં ફરજ બજાવે છે તેથી એવી કોઈ યોજના નથી અને નિયમોમાં છૂટછાટ આપી શકાય નહીં. શિક્ષણ વિભાગે જણાવ્યું કે શિક્ષકોએ શાળા શરૂ થવાના ૧પ મિનિટ વહેલા શાળાએ પહોંચવું પડશે. ખાને જણાવ્યું કે સંબંધિત શિક્ષકોને વિભાગની સ્પષ્ટતા અંગે જાણ કરવામાં આવી હતી. શિક્ષકો ભારત સરકારનો ૧૯પ૪નો આદેશ સાથે લાવ્યા હતા. આ નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ કર્મચારીઓ પોતાના પગારમાં અમુક રકમની કપાત પર જુમ્આની નમાઝ પઢવા જઈ શકે છે. આ અંગે તેમણે ગૃહમંત્રાલયને પત્ર લખ્યો છે જે અમલ હેઠળ છે.