(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.૭
જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ હાલાની યાદીમાં જણાવ્યા મુજબ આગામી તા.૧૦ માર્ચ રવિવારના રોજ જૂનાગઢ ખાતે જૂનાગઢ જિલ્લા સંધિ મુસ્લિમ સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનનું સ્થળ મહમદભાઈ ઠેબાની વાડી, જ્ઞાનબાગ ગુરૂકુળની પાસે, જૂનાગઢ-રાજકોટ હાઈવે, સાબલપુર ખાતે રાખવામાં આવેલ છે. સંમેલન બપોરે બે કલાકે શરૂ થશે અને સાંજે ૬ કલાકે સમાપ્ત થશે. મહાસંમેલનમાં અતિથિ વિશેષપદે અલ્હાઝ સૈયદ દાદામિયાંબાપુ, ખલીફા ઈબ્રાહીમશા બાપુ અને શહેર ખતીબ અલીમહંમદ પલેજા ઉપસ્થિત રહેશે. જ્યારે સંમેલનમાં જૂનાગઢ શહેર જિલ્લા સંધિ મુસ્લિમ સમાજના હોદ્દેદારો, કારોબારી સભ્યો, આમંત્રિત સભ્યો, વિવિધ તાલુકા, શહેરના પ્રમુખો અને મહામંત્રીઓ, એરિયા પ્રમુખશ્રીઓ તેમજ અમદાવાદ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છ, ઉના, બગસરા, જેતપુર, ગોંડલ, ધોરાજી, નવાગામ, ઉપલેટા, વેરાવળ, તાલાળા, રાણાવાવ, કાલાવડ, લીલીયા, પાનેલી, હડાળા અને માલિયાસણ સ્થિત સંધિ મુસ્લિમ સમાજના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ સંમેલનનો હેતુ સમાજમાં પરિવર્તન લાવવા, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, કુરિવાજો દૂર કરવા અને સમાજનું સંગઠન મજબૂત બને તેવા હેતુ સાથે આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જેમાં સંધિ મુસ્લિમ સમાજના પ૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહેશે તેવી ધારણા છે.