National

જેક મા છેલ્લા બે મહિનાથી જાહેરમાં ન દેખાતા શંકા-કુશંકા સેવાઈ જિનપિંગની ટીકા કરનાર ચીની બિઝનેસમેન જેક મા લાપતા..!

જેક માએ ચીનના વ્યાજખોર નાણાકીય નિયમનકારો અને સરકારી બેંકોની ઝાટકણી કાઢતાં સરકારને અપીલ કરી હતી, ત્યારથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી હતી, ઉદ્યોગપતિ કોઈ પણ સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળ્યા નથી

(એજન્સી) બેઈજિંગ, તા.૪
ચીનના અબજોપતિ ઉદ્યોગપતિ જેક છેલ્લા બે મહિનાથી જાહેરમાં દેખાયા નથી અને તેઓ બે મહિનાથી ગાયબ હોવાની વાત બહાર આવી છે. આ મુદ્દા પર ચીનમાં જાતજાતના તર્કવિતર્ક થઈ રહ્યા છે.
ચીનના અરબપતિ ઉદ્યોગપતિ અને ઈ-કોમર્સ જાયન્ટ અલીબાબા અને આંટ ગ્રુપના માલિક જેક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિશાને આવ્યા બાદ તેઓ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં નજર આવ્યા નથી. જ્યારે તેમની કંપની પર સતત કાર્યવાહી ચાલી રહી છે. જેક મા આ રીતે ગાયબ થયા બાદ અનેક શંકા કુશંકા સેવાઈ રહી છે. જેક મા ચીનમાં મોટાભાગે જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે જોવા મળ્યા છે અને પોતાના મોટિવેશનલ ભાષણોના કારણે પણ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેમણે ગત વર્ષે ઓક્ટોબરમાં શાંઘાઈમાં એક કાર્યક્રમ દરમિયાન ચીનના વ્યાજખોર નાણાકીય નિયમનકારો અને સરકારી બેંકોની ઝાટકણી કાઢી હતી. જેક માએ સરકારને અપીલ કરી હતી કે સિસ્ટમમાં સુધાર લાવાની અપીલ કરી હતી. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને વૃદ્ધો લોકોની ક્લબ ગણાવી હતી. જેક માના ભાષણ બાદ ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ભડકી ઊઠી. જેક માની ટીકાને કોમ્યુનિસ્ટ પાર્ટી પર હુમલો તરીકે જોવામાં આવ્યો અને ત્યાર બાદથી તેમના માઠા દિવસો શરૂ થઈ ગયા. તેમના ધંધાની સામે જાત-જાતની તપાસ શરૂ થવા લાગી. રાષ્ટ્રપતી શી જિનપિંગના ઈશારે ચીની અધિકારીઓએ જેક માને ઝાટકો આપતા ગત વર્ષે નવેમ્બરમાં તેમના એન્ટ ગ્રુપના ૩૭ અરબ ડોલરનો આઈપો લિસ્ટિંગ થતો અટકાવી દીધો. એક મીડિયા રિપોર્ટમાં તેની ખાતરી કરતો લેખ છપાયો જેમાં સ્પષ્ટ જણાવમાં આવ્યું કે, જેક માના એન્ટ ગ્રુપનો આઈપીઓ રદ્દ કરવાનો સીધો આદેશ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગએ આપ્યો હતો. ક્રિસમસના એક દિવસ પહેલાં તેમને આદેશ આપવામાં આવ્યો કે તેમની કંપની સામે તપાસ ચાલે છે ત્યાં સુધી તેઓ દેશ છોડી બહાર ન જાય. ચીન સરકારે એન્ટિ-મોનોપોલી કાયદા હેઠળ અલિબાબા કંપની સામે તપાસ શરૂ કરી છે. અલીબાબાએ ચીની કંપની ટેન્સન્ટ હોલ્ડિંગનું ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે તેનું કામ ઓનલાઈન વેચાણ કરવાનું છે અને જેક મા તેમના માલિક છે. વેચાણ જથ્થાની દૃષ્ટિએ અલિબાબા જગતની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે. ચીન સરકાર હવે તેનાથી ડરી ગઈ છે, માટે તપાસના નામે રોડાં નાખવાની શરૂઆત કરી દીધી છે. એક તરફ ચીનમાં આર્થિક મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. એવા સમયે આ કંપની દિવસ-રાત મોટી થતી જાય છે. એટલું જ નહીં હવે બેંકિંગ સેક્ટરમાં પ્રવેશી રહી છે. કોઈ પ્રાઈવેટ કંપનીનો આવડો મોટો પ્રભાવ હોય એ ચીની સરકારને પસંદ નથી. એટલે ચીને જૂની વિગતો આગળ ધરીને કંપની સામે મોનોપોલી ધારા હેઠળ તપાસ આદરી છે. નિષ્ણાતોના મતે આ તપાસ ચીનની સત્તાધારી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના આદેશથી થઈ રહી છે. સરકારી બયાનમાં કહેવોયું છે કે, જે રીતે કંપની વિકસી રહી છે, એમ જ વિકસતી રહેશે તો ભવિષ્યમાં તંદુરસ્ત હરિફાઈ ખતમ થશે.